મેરાન્યૂઝ નેટવર્ક. ગાંધીનગર : વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ના અહેવાલ પ્રમાણે ભારત દેશની ખરાબ આરોગ્ય સેવાના લીધે વૈશ્વિક આરોગ્યનો આંક સુધારતો નથી. ભારત જેવા ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં પાંચ વર્ષથી નીચેના બાળકોના મૃત્યુદરનું પ્રમાણ ખુબ જ ઊંચુ હોવા સાથે ભારતમાં જ ૨૩.૩ ટકા લોકો બિન-ચેપી રોગોને કારણે ૩૦ થી ૬૦ વર્ષની વયમાં જ મૃત્યુ પામે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએચઓએ તેના તાજેતરના એક અહેવાલમાં જણાવ્યું છે કે, ભારત જેવા દેશોના કારણે સમગ્ર વિશ્વમાં થતા આરોગ્ય ક્ષેત્રના સુધારનો આંક ઊંચો આવતો નથી. આ અહેવાલ મુજબ વિશ્વની અડધા જેટલી વસ્તીને જરૂરી આરોગ્ય સેવાઓ પણ મળતી નથી. જેમાં ભારત જેવા ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં પાંચ વર્ષથી નીચેનાં બાળકોના મૃત્યુદરનું પ્રમાણ ખુબ જ ઊંચુ હોવા સાથે આ દેશોમાં બિન-ચેપી રોગોના ફેલાવાનું પ્રમાણ ઘણું છે. ભારત જેવા દેશમાં ચેપી અને બિન-ચેપી રોગોના ફેલાવાનું પ્રમાણ વધારે હોવાના કારણે સમગ્ર વિશ્વની આરોગ્ય સેવાઓમાં કોઈ પરિણામલક્ષી સુધારો જોવા મળતો નથી. જેમાં ભારત જેવા દેશોની કથળેલી આરોગ્ય સેવાને લીધે વૈશ્વિક સુધારાનો સરેરાશ આંક આગળ વધતો નથી.

આ અહેવાલ મુજબ વિશ્વભરમાં દર વર્ષે ૧.૩૦ કરોડ લોકો ૭૦ વર્ષની નીચેની વયે મૃત્યુ પામે છે. આ મૃત્યુના કારણોમાં શ્વાસની તકલીફ, હ્રદય રોગનો હુમલો, ડાયાબિટીસ અને કેન્સર જેવાં રોગોનો સમાવેશ થાય છે. આમાં મોટાભાગનાં મૃત્યુ ભારત જેવાં દેશમાં નોંધાય છે.

૨૦૧૬ના વર્ષમાં માત્ર ભારત દેશમાં જ ૨૩.૩ ટકા લોકો બિન-ચેપી રોગોને કારણે મૃત્યુ પામ્યાં હતા. આ મૃત્યુ પામનાર લોકોની વય ૩૦ થી ૬૦ વર્ષની હતી. વિશ્વમાં આ દર ૧૮ ટકાનો છે. જ્યારે ભારતમાં ૨૩.૩ ટકા જેટલો વધારે છે. આ મૃત્યુદર હજી વધી રહ્યો છે... કેમ કે, વિશ્વમાં વસ્તી પણ વધી રહી હોવા સાથે લોકોની ઉંમર પણ વધી રહી છે. આ બધા કારણોના લીધે વિશ્વ આરોગ્ય સંસ્થાના વર્ષ ૨૦૩૦માં અત્યારનો મૃત્યુદર ત્રીજા ભાગ જેટલો ઓછો કરવાનો લક્ષ્યાંક સિદ્ધ કરી શકાતો નથી. એજ રીતે વિશ્વ આરોગ્ય સંસ્થા વર્ષ ૨૦૩૦ સુધીમાં ટીબી નાબુદ કરવા માંગે છે પણ ભારતમાં દર એક લાખ લોકોએ ૨૧૧ કેસો ટીબીના છે.