મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં ફરી વધારો દેખાઈ રહ્યો છે ત્યારે આજે ગુજરાતમાં માત્ર ૨૧ જ નવા કોરોનાના કેસ નોંધાયા છે. આજે સતત ૧૨માં દિવસે રાજ્યમાં કોરોનાના કારણે એક પણ મૃત્યુ નોંધાયું નથી. જ્યારે નવા કેસની સામે આજે ગુજરાતમાં કોરોનાની સારવાર લઈ રહેલા ૨૯ દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેની સાથે રાજ્યમાં કોરોના નો રિકવરી રેટ ૯૮.૭૫ થયો છે. આજના દિવસે ગુજરાતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૨૬૦ છે જેમાંથી ૫ દર્દીઓ વેન્ટિલેટર પર છે બીજા ૨૫૫ દર્દીઓ સામાન્ય સ્થિતિમાં છે.

Advertisement


 

 

 

 

 

આજે રાજ્યમાં ૪ કોર્પોરેશન અને ૨૫ જિલ્લાઓમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. આજે ગુજરાતમાં સૌથી વધારે ૫ કેસ અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા હતા. વડોદરા કોર્પોરેશનમાં ૩ કેસ નોંધાયા હતા. ભરૂચ, જૂનાગઢ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનમાં ૨-૨ કેસ નોંધાયા હતા. જ્યારે અમરેલી, આણંદ, દાહોદ, ગીર સોમનાથ, જૂનાગઢ, મોરબી અને વડોદરામાં ૧-૧ કેસ નોંધાયા હતા.

રસીકરણમાં પણ ગુજરાત ગતિ સાથે આગળ વધી રહ્યું છે. આજે રાજ્યમાં કુલ ૩,૪૩,૭૪૨ લોકોને રસી આપવામાં આવી હતી. રસીકરણ પણ અમદાવાદ કોર્પોરેશન આજે મોખરે રહ્યું હતું. અમદાવાદ કોર્પોરેશનમાં આજે કુલ ૪૦,૧૪૪ લોકોને રસી આપવામાં આવી હતી. જ્યારે બીજા નંબરે સુરત કોર્પોરેશનમાં ૨૪,૫૦૪ લોકોને રસી આપવામાં આવી હતી અને ત્રીજા નંબરે વડોદરા કોર્પોરેશનમાં કુલ ૧૪,૨૬૩ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જેની સાથે ગુજરાતમાં કુલ ૩,૨૯,૮૩,૯૬૩ લોકોને વેક્સિન આપવામાં આવી છે જેમાં જે લોકોને વેક્સિનના બંને ડોઝ  લેવાઈ ગયા હોય તેવા વ્યક્તિઓ સંખ્યા ૭૮,૪૮,૭૬૭ છે અને જેમણે ફક્ત પહેલો ડોઝ લીધો હોય તેવા ૨,૫૧,૩૫,૧૯૬ વ્યક્તિઓ છે.