જયેશ શાહ (મેરાન્યૂઝ.કચ્છ): પાકિસ્તાન દ્વારા તેના કબ્જા હેઠળના કાશ્મીર (PoK)નાં ગિલગીટ અને બાલ્ટીસ્તાન વિસ્તારમાં વીસ હજારથી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હોવાનાં મીડિયા રિપોર્ટથી ખળભળાટ મચી ગયો છે, ત્યારે ભારતીય સેનાનાં કાશ્મીર સ્થિત સૂત્રોએ આ 'ન્યૂઝ'ને મોટા ગપગોળા સમાન ગણાવ્યા છે. હાલમાં પાકિસ્તાનની સેના બલુચિસ્તાન અને ખૈબર પખતુનમાં 'ઓપરેશન અલ મિઝાન' હેઠળ તૈનાત છે તેવામાં આટલી મોટી મુવમેન્ટ શક્ય નથી તેવું સૂત્રોએ જણાવ્યું હતું. મીડિયા રિપોર્ટ થકી ભારતનાં લોકોને આ પ્રકારની વાતથી ગભરાવી સરકાર ઉપર પ્રેસર લાવવા માટે ચીન ભારતીય મીડિયાનો ઉપયોગ કરી રહ્યું હોવાનો દાવો પણ સૂત્રો કર્યો હતો.

કાશ્મીર સ્થિત ઇન્ડિયન આર્મીનાં એક સિનિયર ઓફિસરે LoC પાસે આવેલા PoKમાં પાકિસ્તાનની સેનાની બે ડિવિઝન મોકલવાની વાતને પાયાવિહોણી ગણાવી હતી. આર્મીનાં આ ઓફિસરે એવું જણાવ્યું હતું કે, એક સાથે પાક. આર્મીને આટલી મુવમેન્ટ કરવી હોય તો ઓછામાં ઓછાપાંચ હજારથી વધુ વાહનો જોઈએ. કોઈપણ જાતની નોટિસ વિના આ પ્રકારની મુવમેન્ટ આ એરિયામાં શક્ય જ નથી. ટ્રુપ્સ સહિત આર્મ્સ-એમ્યુનેશનનાં આ પ્રકારનાં લોજિસ્ટિક મુવમેન્ટ માટે એટલી જગ્યા પણ એલઓસી પાસે આવેલા ગિલગીટ અને બાલ્ટીસ્તાનમાં નથી ત્યારે આ પ્રકારનો જંગી જમાવડો પાકિસ્તાન માટે શક્ય નથી તેવું તેમણે ઉમેર્યું હતું.

આ ઉપરાંત શ્રીનાગરની પાસે આવેલા LoC નજીકનાં કિશનઘાટી રોડ ઉપર ભારતીય સેનાનું પ્રભુત્વ છે તેવામાં આવી નાપાક મુવમેન્ટ થાય તે શક્ય ન હોવાનું ભારતીય સેનાનાં કમાન્ડર કક્ષાનાં ઓફિસરે આવો દાવો કર્યો હતો.

અહીં ઉલ્લેખનીય છે કે, પાકના કબ્જાવાળા ગિલગીટ અને બાલ્ટીસ્તાનમાં પાકિસ્તાને વીસ હજાર જેટલા સૈનિકોવાળી બે ડિવિઝન ઉતારી છે. તથા ભારતને બે મોરચે ઘેરવા માટે ચીન અને પાકિસ્તાન આ પ્રકારે બોર્ડર ઉપર ડીપ્લોયમેન્ટ કરી રહ્યું છે તેવા મીડિયામાં રિપોર્ટ આવતા આ મામલે ખાસ્સી એવી ચર્ચા શરૂ થઈ ગઇ છે.