મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: 1984ના શીખ વિરોધી તોફાનો મામલે દિલ્હી હાઇકોર્ટે મોટો ચુકાદો આપતા નીચલી કોર્ટના નિર્ણયને પલટતા કોંગ્રેસના નેતા સજ્જન કુમારને તોફાનો ભડકાવવા અને કાવતરુ રચવાના કેસમાં દોષિત ઠેરવ્યા છે અને તેમને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટનો આ ચુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે કોર્ટે ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ જીતી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઘટનાના 34 વર્ષ બાદ હાઇકોર્ટ દ્વારા સજ્જન કુમારને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ પહેલા નીચલી કોર્ટે તેમને મુક્ત કર્યા હતા. 1 નવેમ્બર 1984ના રોજ દિલ્હી કેંટના રાજનગર વિસ્તારમાં પાંચ શીખોની હત્યા થઇ હતી. આ કેસમાં નીચલી અદાલતના ચુકાદાને સીબીઆઇએ દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાઇકોર્ટે ચુકાદો આપતા એવો પણ સવાલ કર્યો કે આ ઘટના દિલ્હી કેન્ટોનમેન્ટની સામે જ ઘટી હતી છતાં સ્ટેટ મશિનરી શું કરી રહી હતી?

નોંધનીય છેકે આ કેસને વર્ષ 2005માં નાણાવટી કમિશનની ભલામણ બાદ રીઓપન કરવામાં આવ્યો હતો. 30 એપ્રિલ 2013ના રોજ નીચલી કોર્ટના જજ જે.આર. આર્યને સજ્જન કુમારને દોષમુક્ત જાહેર કર્યા હતા. જ્યાર બાદ શીખોએ દિલ્હીમાં જોરદાર વિરોધ પ્રદર્શન કરી મેટ્રો સેવાને રોકી દીધી હતી. સીબીઆઇએ નીચલી કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો અને હાઇકોર્ટે ગત 27 ઓક્ટોબર 2018ના રોજ આ કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો અને આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે.