મેરાન્યૂઝ નેટવર્ક ગાંધીનગર: ભારતમાં ખાસ કરીને ચુંટણી જેવા પ્રસંગે આત્મઘાતી હુમલાઓ કરી આતંકવાદીઓ તેમજ તેને પ્રોત્સાહન આપી રહેલા પાકિસ્તાન ધ્વારા જમ્મુ-કાશ્મીરને જ મુખ્ય લક્ષ્ય બનવી દીધું છે. તેમના ધ્વારા ૧૯૯૯ થી લઈને ૨૦૧૯ સુધીની લોકસભાની ચુંટણી પૂર્વે જ આતંકી હુમલાઓ કરી દેશમાં અરાજકતા સહીત ભાગલાવાદી પ્રવૃતિઓ ખુલ્લેઆમ કરવામાં આવે છે. જેમાં છેલ્લા બે દસકાથી લોકસભાની દરેક સામાન્ય ચુંટણી વખતે જ દસ જેટલા આતંકી હુમલા થયા છે. કારગીલ યુદ્ધ સહિતના આ આતંકી હુમલાઓમાં ૬૨૫ જવાનો શહીદ થયા છે. તેમાં મોદી સરકારના પાંચ વર્ષમાં જ દેશમાં થયેલા ૧૨ મોટા આતંકી હુમલામાં ૧૭૦ જવાનો શહીદ થયા છે.

ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિ ખાસ કરીને લોકસભાની સામાન્ય ચુંટણી પહેલા વધુ તીવ્ર બની જાય છે. જેમાં ૧૯૯૯થી અત્યાર સુધીની લોકસભાની ચુંટણી પહેલા જ થતા આતંકવાદી હુમલાઓમાં સત્તાધારી કે વિપક્ષ ધ્વારા તેને ચુંટણીલક્ષી મુદ્દો બનાવી દેવાય છે તે પણ દુર્ભાગ્યપૂર્ણ છે. ૨૦૧૯ની લોકસભાની ચુંટણી પૂર્વે પુલવામાં ૧૪ ફેબ્રુઆરીએ કરાયેલા આત્મઘાતી હુમલાએ અનેક શહીદ પરિવારોને પ્રેમ અને આધાર છીનવી લેવા સાથે દેશભરમાં આક્રોશ પેદા કર્યો છે. જમ્મુથી શ્રીનગર જઈ રહેલા સીઆરપીએફના ૨૫૪૭ જવાનોને લઇ જતી ૭૮ ગાડીઓના કાફલા ઉપર થયેલા આતંકી હુમલામાં ૪૦ જવાન શહીદ થયા છે.

આ અગાઉ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચુંટણી વખતે ૧૧ માર્ચે છત્તીસગઢમાં નકસલી હુમલામાં ૧૬ જવાન શહીદ થયા હતા. ૨૫ એપ્રિલે ઝારખંડમાં આતંકીઓના લેન્ડસમાઈન હુમલામાં ૮ તેમજ ૧૨ મેંએ મહારાષ્ટ્રમાં માઓવાદી  હુમલામાં ૭ જવાન શહીદ થયા હતા. જયારે ૨૦૦૯માં બે હુમલામાં ૧૨ના મોત થયા હતા. તો ૨૦૦૪માં ઉરી ખાતે પીડીપીની રેલીમાં થયેલા હુમલામાં ૧૧ના મોત થયા હતા. જયારે ૧૯૯૯માં લોકસભાની સામાન્ય ચુંટણી પહેલા થયેલા કારગીલ યુદ્ધમાં ભારતના ૫૨૭ જવાનો શહીદ થયા હતા. મનમોહન કે મોદી સરકારે સર્જીકલ સ્ટ્રાઈક સિવાય નક્કર કોઈ પગલા ભરીને આતંકવાદીઓ અને તેમના આકાઓને પાઠ ભણાવ્યા નથી. ત્યારે કાશ્મીર સહીત પાકિસ્તાન સામે ગપગોળા ચલાવવાના બદલે તેઓ ભારત સામે ખરાબ નજરે જોઈ પણ શકે નહિ તેવી કાર્યવાહી કરવી જરૂરી છે.