ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ચાંદીના ભાવ ક્યા જશે? તે માત્ર ગોલ્ડ સિલ્વર રેશિયો (એક ઔંસ સોનાના ભાવથી ખરીદી શકાતી ચાંદી) જ નક્કી નહિ કરે. સોના કરતા ચાંદીના ફંડામેન્ટલ વધુ મજબુત થઇ જતા, ઓગસ્ટ મહિનામાજ ગોલ્ડ સિલ્વર રેશિયો નવા તળિયા શોધવા લાગ્યો હતો. હવે ચાંદીને પોતાનો ચળકાટ દેખાડવાનો સમય આવી ગયો છે. બસ બહુ થોડા સમયમાં ચાંદી સોનાના પેગડામાં પગ ઘાલીને સોનાની તેજીને પાછળ રાખી દેશે, એ સાથે જ ભાવ પચાસ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭)ને આંબી જશે.

મુંબઈ સ્થિત ચાંદીમાં પૂર્ણ સમયના એક તેજીવાળા કહે છે કે અમે તો ઘણા સમયથી કહેતા આવ્યા છીએ કે મજબુત તેજીના ફન્ડામેન્ટલ્સ નિર્માણ થઇ ગયા છે, પણ જ્યારે નવી તેજીનાં ઘોડે સવાર થાય ત્યારે આરંભમાં ચાંદી, સોનાની જોરુ (પત્ની) બનીને પાછળપાછળ ચાલતી હોય છે. રોકાણકારોનો ચાંદીમાં રસ વધી જાય ત્યારે તેની વ્યાપક અસર ભાવ પર પ્રતિબિંબિત થવા લાગે છે. જ્યારે રોકાણકાર બે કીમતી ધાતુમાં રોકાણના વળતરની ગણતરી કરે ત્યારે ચાંદીની ખરીદી કરવી કે વચાણનો નિર્ણય લે ત્યારે તેના નિર્ણયમાં ઘણા બધા મુદ્દાનો વિચાર કરવો પડે છે. તેમાં માંગ પુરવઠો, મેક્રો ઇકોનોમિક સ્તર પર પ્રવર્તતા સંખ્યાબંધ ફન્ડામેન્ટલ્સનો પણ વિચાર આવરી લે છે.

જો સોનાની તુલનાએ ચાંદી પ્રમાણમાં સસ્તી લાગે અને સંખ્યાબંધ ફન્ડામેન્ટલ્સ લાઈન લગાવીને તેની પાછળ ઉભા હોય ત્યારે અનુભવાતા આંતરપ્રવાહો સ્ફોટક બની જતા હોય છે. છેલ્લા બે મહિનાના ચાંદીના ભાવનું વલણ જોઈએ તો તરતજ સમજાય કે આ તેજીની દિશા કઈ તરફ જાય છે. ભાવે હજુ વિક્રમ ઊંચાઈ પ્રાપ્ત નથી કરી, પણ ફન્ડામેન્ટલ્સ ચાંદીની પાછળ લાઈન લાગાવીને ઉભા છે. મુંબઈના ઉક્ત ચાંદી તેજીવાળા કહે છે કે મને વિશ્વાસ છે કે નજીકના ભવિષ્યમાં આપણે ચાંદીમાં નવી અને વિક્રમ ઊંચાઈ જોઈશું.

મંગળવારે ડીસેમ્બર ડીલીવરી ચાંદી ૨૯.૨૩ ડોલર થઇ ત્યારે ગોલ્ડ સિલ્વર રેશિયો ૬૮.૪૨ નોંધાયો હતો. જો રેશિયો આ લેવલથી નીચે જાય તો તે ચાંદી માટે તેજીનું એક વધારાનું કારણ બનશે. અલબત્ત, ગોલ્ડ સિલ્વર રેશિયો જાન્યુઆરી ૧૯૮૦મા ૧૬ના તળિયે હતો તે માર્ચ ૨૦૨૦મા ૧૨૬ની સર્વોચ્ચ ઉંચાઈએ નોંધાયો હતો. અહી એ નોંધવું જોઈએ કે ૧૯૭૨થી અત્યાર સુધીમાં સરેરાશ રેશિયો ૧:૬૫ ફક્ત સાત વખત ટચ થયો છે. હાલમાં રેશિયો આ સરેરાશ આસપાસ આવી ગયો છે.

જો ચાંદીના ફન્ડામેન્ટલ્સની વાત કરીએ તો જગત આખું અત્યારે ઉર્જા માટે સાવધ થઇ ગયું છે. આખા વિશ્વમાં ચાંદી એ ઈલેક્ટ્રીસીટી માટે ઉત્તમ કંડકટર ગણાય છે, સોના અને તાંબા કરતા પણ વધુ વીજ સંગ્રાહક ગણાય છે. છ કરન્સી બાસ્કેટનો ડોલર ઇન્ડેક્સ પણ અત્યારે સાવ નબળો પડી ગયો છે, આ જોતા પણ કહી શકાય કે લાંબાગાળા માટે સરેરાશ ગોલ્ડ સિલ્વર રેશિયો ૬૫ આસપાસ રહેવો જોઈએ.

મંગળવારે ડોલર ઇન્ડેક્સ ઘટીને ૯૧.૯૭ સુધી નીચે ઉતાર્યો હતો. ઇન્ડેક્સ નજીકના ભવિષ્યમાં ૯૧ના સપોર્ટ લેવલને ટચ કરવા પ્રયાસ કરશે. જો આમ થાય તો વિશ્વની અનેક કરન્સી સામે ડોલર ખુબ જ નબળો પડે, જે ચાંદી અને અન્ય કીમતી ધાતુની તેજી માટે એક વધારાનો ફન્ડામેન્ટલ સ્ત્રોત ગણાશે. જો સોનું તેજીની સવારીને જાળવી રાખશે તો ચાંદીને ૩૦ ડોલર વટાવી જવાના ઉજળા ચાન્સ રહેશે.

(અસ્વીકાર સુચના: commoditydna વેબસાઈટ અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલા આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)