મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: જિલ્લામાં રાજુલા, દલખાણીયા રેન્જ તેમજ ધારી ગીર પૂર્વ વિસ્તારમાં છેલ્લા 11 દિવસમાં 6 સિંહબાળ સહિત 12 સિંહોના મોત થતા સનસનાટી મચી છે. વન વિભાગ દ્વારા ઈનફાઈટ તેમજ ઇન્ફેક્શનના કારણે મોતની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા સિંહપ્રેમીઓ લાલઘૂમ થઈ ઉઠ્યા છે. જો કે આ તમામ સિંહોના મોતનું કારણ જુદું-જુદું હોવાનું જણાવાયું છે. હાલ વન વિભાગની ટીમો દ્વારા ગીરના સિંહોનું અવલોકન કરવામાં આવી રહ્યું છે. 

અમરેલી જિલ્લો ફરી એક વખત સિંહના મોતને લઈને ચર્ચામાં આવ્યો છે. છેલ્લા અગિયારેક દિવસમાં 6 સિંહબાળ સહિત 12 સિંહોના મોત થતા અમરેલી જિલ્લામાં સિંહોની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા થયા છે. ગઈકાલે રાજુલામાં એક સિંહણનું મોત થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જો કે સિંહોના મોતને લઈને વન વિભાગ દ્વારા કોઈ ચોક્કાસ તારણ આપવામાં આવ્યું નથી. ફેફસામાં કોઈ ઇન્ફેક્શનને કારણે મોત થયા હોવાનું અધિકારીઓ માની રહ્યા છે. જ્યારે કેટલાક પૂર્વ અધિકારીઓએ મોતનું કારણ કોઈ વાયરલ બીમારી હોવાનું જણાવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલા દલખાણીયા રેન્જમાં એક સિંહનું શંકાસ્પદ મોત થયું હતું. મૃતક સિંહની આંખમાંથી સતત પાણી વહેતુ હોવાનું બહાર આવ્યું હતું. આવી બીમારી સિંહોમાં પ્રથમ વખત જોવા મળી રહી છે. જો કે વન વિભાગના કેટલાક પૂર્વ અધિકારીઓએ આવી બીમારી કોઈ અજાણ્યા વાયરસને કારણે ઉદ્દભવી હોવાનું જણાવ્યું છે. વન વિભાગના અધિકારીઓ હાલ સિંહોના મોતને લઈને ફોરેન્સિક રિપોર્ટ માટે નમુનાઓ મોકલી આપ્યાની વાતો કરે છે પરંતુ બીજી તરફ સિંહપ્રેમીઓ સમગ્ર મામલે વન વિભાગ કોઈ હકીકત છુપાવતું હોવાનું માની રહ્યા હોઈ લાલઘૂમ થયા છે.