મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાત સરકાર વ્યાપક પ્રમાણમાં વિવિધ સ્તર પર ભરતીઓ કરી રહી છે પરંતુ લાખો બેરોજગારોમાંથી પસંદ થનાર સરકારી નોકરી મેળવનારને નોકરીની કિંમત સમજાતી નથી. ગુજરાત પોલીસમાં ભરતી થયેલા નવા યુવાન પોલીસ કર્મચારીઓના વ્યવહારને લઈને વ્યાપક ફરિયાદો મળી રહી છે. તે જ વખતે તા 23 ફેબ્રુઆરીના રોજ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અમદાવાદની મુલાકાત માટે આવ્યા તે વખતે બંદોબસ્તમાં ગેરહાજર મળેલા 11 પોલીસ કર્મચારીઓને જોઈન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમારે ફરજ મૌકુફી ઉપર ઉતારી દેવાનો આદેશ આપ્યો છે.

પોલીસ કર્મચારીઓ માટે શિસ્ત એ મહત્વનો હિસ્સો છે. પોલીસનો વ્યવહાર અધિકારીઓ અને સામાન્ય જનતા સાથે પણ શિસ્તના દાયરામાં હોય તે જરૂરી છે, પરંતુ પોલીસના વ્યવહારને લઈને વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. બંદોબસ્તમાં રહેલી પોલીસ ફરજના સ્થળ પર હાજર તો હોય પરંતુ મોબાઈલ ફોન જોવામાં વ્યસ્ત હોય તેવી અનેક ઘટનાઓ સિનિયર પોલીસના ધ્યાનમાં આવી હતી. તા. 23મી ફેબ્રુઆરીના રોજ મોટેરા સ્ટેડિયમના સમારંભમાં હાજરી આપવા અમદાવાદ આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે અમદાવાદ પોલીસે બંદોબસ્તની યોજના બનાવી હતી. જેના માટે અમદાવાદના વિવિધ કર્મચારીઓને વિવિધ સ્થળે બંદોબસ્તમાં મુકવામાં આવ્યા હતા.


 

 

 

 

 

વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં હતા તે દરમિયાન સુપરવાઈઝરી પોલીસ અધિકારીઓના ધ્યાનમાં આવ્યું હતું કે, કેટલાક પોલીસ કર્મચારીઓ રાષ્ટ્રપતિ જેવા વીવીઆઈપી આવતા હોવા છત્તાં તેમના ફરજના સ્થળે ગેરહાજર જોવા મળ્યા હતા. જેને લઈ તેમણે આ મામલે જોઈન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમારને પોતાનો રિપોર્ટ આપતા તેની ગંભીરતા લઈ જેસીપી પરમારે બંદોબસ્તમાં ગેરહાજર આ 11 પોલીસ કર્મચારીઓને ફરજ મૌકુફી પર ઉતારી દેવાનો આદેશ આપ્યો છે. ગૌતમ પરમારે અમારા સંવાદદાતા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, પ્રજા અને ઉપરી અમલદારો સહિત સોંપવામાં આવેલી ફરજમાં ગેરશિસ્ત દાખવનારા કોઈપણ પોલીસ કર્મચારીને સહન લેવામાં આવશે નહીં. ગેરશિસ્ત દાખવનારા તમામ પોલીસ કર્મચારીઓ સામે આકરા પગલા ભરવામાં આવશે.

સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મચારીઓના નામ અને ફરજના સ્થળ

PC કલ્પેશકુમાર નાથાલાલ શાહીબાગ, LR ચિરાગકુમાર નરેશભાઈ કૃષ્ણનગર, LR જીતેન્દ્ર ધનજીભાઈ અમરાઈવાડી, LR મયુર દિલીપભાઈ અમરાઈવાડી, HC રાજેશ માનસિંહ ગોમતીપુર, LR ચિરાગ નારાયણભાઈ ગોમતીપુર, PC અજયસિંહ નરેશકુમાર વટવા, WLR ખુશબુ રાજેન્દ્રભાઈ વટવા, WLR કોમલ રાજુભાઈ વટવા, WLR પ્રિયંકા કૃષ્ણકુમાર ઓઢવ અને WPC અંકીતા રમણીકલાલ ઓઢવ.