જય અમીન (મેરાન્યૂઝ.મોડાસા): તાજેતરમાં રાજ્યના માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૦માં  લેવાયેલી ધોરણ-૧૦ ની પરીક્ષા તેના પરિણામ ને લઈ વિવાદમાં સપડાઈ છે. વિદ્યાર્થીઓની પરિક્ષાનું પરિણામ જાહેર પણ થયું અને માર્કશીટ પણ વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગઈ છે. ત્યારે મોડે મોડે શિક્ષણ વિભાગની ઉંઘ ઉડી હોય તેમ પરિણામમાં શાળાઓ દ્વારા અપાયેલા ઇન્ટરનલ માર્કસમાં કૌભાંડ હોવાનું સામે આવ્યું છે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ઇન્ટરનલ માર્ક્સની લ્હાણી કરવામાં આવી છે તેવું જોવા મળી રહ્યું છે. શિક્ષણ વિભાગે પરિણામ બાદ કરેલા વિષ્લેષણાત્મક અભ્યાસ બાદ તપાસ કરતા સમગ્ર રાજ્યમાં ધો.૧૦ માં બોર્ડની પરીક્ષામાં ઇન્ટર્નલ માર્કની લ્હાણી કરવામાં આવી હોવાનું ધ્યાને આવતા ઇન્ટરનલ માર્ક્સની લ્હાણી કરનાર તપાસના આદેશ છૂટ્યા છે. અરવલ્લી જીલ્લામાં ૩૦ શાળાઓમાં ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ શંકાના દાયરામાં આવતા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ હાથધરવામાં આવી છે.

માર્ચ-૨૦૨૦ માં યોજાયેલ ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષા ઈન્ટરનલ માર્ક આપવાની પદ્ધતિમાં ગ્રેસિંગથી પાસ થયેલા તેમજ કેટલાક નાપાસ વિદ્યાર્થીઓને ઈન્ટરનલ માર્કની કરાઈ લ્હાણી કરવામાં આવી હોવાનું સામે આવતા શિક્ષણ વિભાગ ચોંકી ઉઠ્યું છે અને રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારી ઓને તપાસના આદેશ આપ્યા છે. માર્ચ-૨૦૨૦માં  લેવાયેલી ધોરણ-૧૦ બોર્ડનું પરિણામ ઈન્ટરનલ માર્ક આપવાની પદ્ધતિને લીધે વિવાદોમાં ઘેરાયું છે ધોરણ-૧૦માં ગ્રેસિંગથી પાસ થયેલા તેમજ કેટલાક નાપાસ વિદ્યાર્થીઓને ઈન્ટરનલ માર્કની લ્હાણી કરી દેવાઈ છે. આવા કેટલાક વિદ્યાર્થીઓને શાળાએથી ૧૬થી લઈ પૂરે પૂરા ૨૦ માર્ક આપી દેવાયા છે.

અંગે જિલ્લા શિક્ષણ અધિકારી ગાયત્રી બેન પટેલના જણાવ્યા અનુસાર,અરવલ્લી જીલ્લાની ૧૬ ગ્રાન્ટેડ અને ૧૪ ખાનગી શાળાઓમાં  અંદાજે ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓના ઈન્ટરનલ માર્કની તપાસ કરવામાં આવશે. ધો.૧૦ ની બોર્ડની પરીક્ષામાં પરિણામમાં જોવા મળેલ વિસંગતતામાં એજ્યુકેશન ઈન્સ્પેકટરો સ્થળ તપાસ કરશેનું જણાવ્યું હતું 

અત્રે ઉલ્લેખનીય છે કે, પરીક્ષા બાદ પરિણામ પણ આવી ગયા છે ત્યારે હવે તપાસનો શુ મતલબ રહશે. શુ એ વિદ્યાર્થીઓના પરિણામ પર અસર પડશે કે શાળાઓએ પોતાની શાળાનું પરિણામ ઊંચું લાવવા આ પ્રકારે વિદ્યાર્થીઓને માર્કસ આપી દેવાયા છે. તે તપાસનો વિષય બની રહેશે જેને પગલે વિદ્યાર્થી અને વાલીઓના જીવ ઊંચા થયા છે. મહત્વનું છે કે, રાજ્યમાં જિલ્લા શિક્ષણ અધિકારીને તપાસના આદેશ આપવામાં આવતા હવે તપાસ તેજ કરવામાં આવી છે અને બે દિવસમાં તપાસનો રિપોર્ટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને સોંપવામાં આવશે. જોકે આ તપાસના રિપોર્ટ બાદ શિક્ષણ વિભાગ આવી શાળાઓ સામે કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.