મેરાન્યૂઝ નેટવર્ક ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધ્વારા માર્ચ-૨૦૧૯માં લેવાયેલી ધોરણ-૧૦ની પરીક્ષાનું આજે ૬૬.૯૭ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સુરત જિલ્લો ૭૯.૬૩ ટકા સાથે પ્રથમ ક્રમે આવ્યો. જ્યારે ધોરણ ૧૨ સાયન્સની જેમ સૌથી ઓછું ૪૬.૩૮ ટકા પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું આવ્યું છે. તો ગીર સોમનાથ જિલ્લાનું સુપાસી કેન્દ્ર ૯૫.૯૬ ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે અને સૌથી ઓછું પરિણામ પણ આ જ જિલ્લાના તડ કેન્દ્રનું માત્ર ૧૭.૬૩ ટકા આવ્યું છે. ધરણ ૧૦ની પરીક્ષા આપનાર ૧૧,૫૯,૭૬૨ પરીક્ષાર્થીમાંથી વિદ્યાર્થીઓનું ૬૨.૮૩ ટકા અને વિદ્યાર્થિનીઓનું ૭૨.૬૪ ટકા પરિણામ આવ્યું છે. જ્યારે 100% પરિણામ ધરાવતી ૩૬૬ શાળાઓ સામે ૬૩ શાળાઓનું પરિણામ 0% આવ્યું છે. જયારે ૯૯૫ શાળાઓનું પરિણામ ૩૦ ટકા કરતા ઓછું આવ્યું છે. ગુજરાત માટે આઘાતજનક બાબત એ છે કે, અંગ્રેજી માધ્યમના ૮૮.૧૧ ટકા પરિણામ સામે ગુજરાતી માધ્યમનું પરિણામ ૬૪.૫૮ ટકા જ આવ્યું છે. જો કે તેમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં લાખોનો તફાવત પણ જવાબદાર છે.

ગુજરાત રાજ્યમાં ગયા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ-૧૦ની પરીક્ષાનું આજે જાહેર કરાયેલું પરિણામ ગયા વર્ષ કરતા ૦.૫૩ ટકા ઓછું આવ્યું છે. ધોરણ-૧૦માં આ વખતે ૭,૦૫૪૬૫ વિદ્યાર્થીઓ અને ૪,૫૪૨૯૭ વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ૬૧૪૨ દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પણ પરીક્ષા આપી હતી. બોર્ડ ધ્વારા ૬૬.૯૭ ટકા જાહેર કરાયેલા પરિણામમાં કુલ ૧૧,૫૯,૭૬૨ પરીક્ષાર્થીમાંથી  4974 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, 32375 વિદ્યાર્થીઓએ A2, 70677 વિદ્યાર્થીઓએ B1 અને  129629 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે.આ વખતે એ-૧થી બી-૧ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોધાયો છે.જયારે બી-૧ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પરથી સવારે ૬ વાગ્યાથી પરિણામ મૂકી દેવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં ૬૧૪૨ દિવ્યાંગ ઉમેદવારોમાંથી ૮૭૨ને ૨૦ ટકા ગ્રેડ માર્ક્સ આપીને ઉતીર્ણ કરવામાં આવ્યા છે. જયારે ગયા વર્ષે આ પરીક્ષામાં ગેરરીતી કરતા પકડાયેલા ૧૨૩૧ની સામે આ વર્ષે કુલ ૨૧૬૫ વિદ્યાર્થીઓ ગેરરીતી કરતા પકડાયા છે.આ પરીક્ષામાં ગુજરાતીમાં ૬,૪૨૮૬૦ વિદ્યાર્થીઓ, અંગ્રેજીમાં ૫૨૦૩૮૩, સોશિયલ સાયન્સમાં ૬૬૪૨૧૧, સાયન્સમાં ૫૬૧૨૯૯ અને મેથ્સમાં ૫૭૨૪૭૩ વિદ્યાર્થી પાસ થયા છે. જયારે ગુજરાતીમાં ૧ વિદ્યાર્થીએ ૯૯ માર્ક્સ તેમજ સોશિયલ સાયન્સમાં ૧,સાયન્સમાં ૨૯ અને મેથ્સમાં ૧૮૭ વિદ્યાર્થીએ ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ મેળવ્યા છે.આ પરીક્ષામાં બે વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓની પુરક પરીક્ષા આગામી જુલાઈ મહિનામાં લેવાની બોર્ડ ધ્વારા જાહેરાત કરવામાં આવી છે.આ પરીક્ષામાં રેગ્યુલર વિદ્યાર્થીઓમાં એક વિષયમાં ૪૬૩૮ વિદ્યાર્થી એક વિષયમાં અને ૨૨૫૧૮ વિદ્યાર્થી બે વિષયમાં નાપાસ થયા છે.