જય અમીન (મેરાન્યૂઝ.મોડાસા): સમગ્ર રાજ્યમાં કોરોના ના વધતા કહેર વચ્ચે ૧૦૮ એમ્બ્યુલન્સની અછત સર્જાતા રાજ્ય સરકાર દ્વારા નવી એમ્બ્યૂલન્સની ફાળવણી પણ કરી છે. અરવલ્લી જિલ્લામાં નવી ત્રણ 108 એમ્બ્યૂલન્સ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી છે, પણ આ નવી એમ્બ્યૂલન્સનું ઉદ્ઘાટન ક્યારે થશે અને કયા નેતા કે અધિકારી કરશે તેની રાહ જોવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લામાં હાલ નવ જેટલી ૧૦૮ એમ્બ્યૂલસ કાર્યરત્ છે જેમાંથી સાત હિંમતનગર કૉવિડ હૉસ્પિટલમાં દર્દીઓને લઈને જતી હોય છે, તો બે એમ્બ્યૂલન્સ ઇમરજન્સી અકસ્માતની ઘટનાઓ માટે રિઝર્વ રાખવામાં આવી છે. કૉરોનાના વધતા કહેર વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ત્રણ નવી ૧૦૮ એમ્બ્યૂલન્સની ફાળવણી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા એક સપ્તાહથી મોડાસા સર્કિટ હાઉસ ખાતે નવી 108 એમ્બ્યૂલન્સ મૂકવામાં આવી છે. જોકે આ એમ્બ્યૂલન્સનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવશે અને કોણ કરશે તેની રાહ જોવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે.
કોરોનાના બધતા કહેર વચ્ચે દર્દીઓને ૧૦૮ એમ્બ્યૂલન્સની સેવા ન મળતી હોવાની લઈને રાજ્ય સરકાર દ્વારા નવી એમ્બ્યૂલન્સની ફાળવણી કરવામાં આવી છે પણ અરવલ્લી જિલ્લામાં વરવી વાસ્તવિકતા એવી સામે આવી છે કે, નવી ફાળવવામાં આવેલી એમ્બ્યૂલન્સ પ્રજાની સેવા માટે ક્યારે કાર્યરત થશે? નેતાઓ કે વહીવટી તંત્રને આ નવીન એમ્બ્યૂલન્સ તાત્કાલિક ધોરણે પ્રજાના હિત માટે કાર્યરત ન કરવી હોય તેવું લાગી રહ્યું છે.
એક તરફ લોકો એમ્બ્યૂલન્સ માટે સતત કોલ કરી રઝળપાટ કરી રહ્યા છે તેવા ટાંણે જો સરકારે એમ્બ્યૂલન્સ ફાળવી દીધી છે તો ઉદ્ઘાટનની રાહ શા માટે જોવાની, કોઈ નેતા અધિકારીની સસ્તી પ્રસિદ્ધી માટે લોકોના જીવો સાથેની આ રમત કેટલી યોગ્ય છે? શું સ્ટાફ નથી? શું નવી એમ્બ્યૂલન્સ દોડાવાય તેવા મલાઈ જેવા રોડ નથી? એમ્બ્યૂલન્સ ન દોડાવવા પાછળ ઉદ્ઘાટન એક માત્ર રોડું બનીને પડ્યું છે. જોકે તંત્રમાં અક્કલનો છાંટો હોત તો લગભગ આ એમ્બ્યૂલન્સ હાલ રસ્તાઓ પર દોડતી હોત અને લોકોના જીવ બચાવવામાં મહત્વનો ભાગ ભજવી શકી હોત.