મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દેરોલ તથા સાયબાપુર વિસ્તારમાંથી ટ્રેકટરો દ્વારા રેતી ખનિજ ભરી આવતા ૧૦ ટ્રેકટરોને જિલ્લાની ખાણ ખનિજ વિભાગની ટીમે મંગળવારે ઝડપી લઇ તમામ વાહનો હાલ સીઝ કરીને ખનિજ ચોરી કરનારા માલિકો વિરૂધ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે માસ દરમિયાન જિલ્લા અલગ અલગ વિસ્તારોમાંથી બિનઅધિકૃત રીતે ખનિજ ખનન અને વહન કરતા ખનિજ માફીયાઓ વિરૂધ્ધ કેસો કરીને તંત્ર દ્વારા રૂા.૬૫.૪૬ લાખની દંડનીય વસૂલાત કરાતા ખનિજ માફીયાઓ ફફડી ઉઠયા છે.

સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ, હિંમતનગર સહિત અનેક ઠેકાણે ખનિજ માફિયાઓ બેફામ બની રહ્યા છે ત્યારે ખાણ ખનિજ વિભાગે આવી ખનિજ ચોરી અટકાવવા અને સરકારની આવક વધારવા માટે ડ્રોન કેમેરાની મદદ લઇ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખનિજ ચોરી ઝડપી લેવા અભિયાન હાથ ધર્યુ છે. તેમાં પણ તંત્રને સફળતા મળતા થોડાક દિવસ અગાઉ પ્રાંતિજ વિસ્તારમાંથી પણ નદીપટમાંથી ખનિજ ચોરી કરતા તત્વો ધોંસ બોલાવી તંત્રએ કેટલાક વાહનો સીઝ કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. સાબરકાંઠા જિલ્લા ખાણ ખનિજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી સુભાષ જોષીના જણાવ્યા મુજબ દેરોલ તથા સાયબાપુર વિસ્તારમાંથી ટ્રેકટરો દ્વારા સાદી રેતી ખનિજની ખનિજ ચોરીની ફરિયાદો મળતા તંત્ર દ્વારા મંગળવારે મેઘા ચેકીંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં હિંમતનગર તાલુકાના દેરોલ અને સાયબાપુર વિસ્તારમાંથી રેતી ખનિજ ચોરી કરતા ૧૦ ટ્રેકટરોને ઝડપી લેવાયા છે. હાલમાં આ વાહનોને સીઝ કરી દંડનીય કાર્યવાહી શરૂ કરાઇ છે.

ભુસ્તરશાસ્ત્રી સુભાષભાઇ જોષીના જણાવાયા મુજબ છેલ્લા બે મહિનામાં ખાણ ખનિજ વિભાગે ખનિજ ચોરી પકડવા માટે હાથ ધરેલા અભિયાનના ભાગરૂપે અંદાજે રૂા.૬૫.૪૬ લાખની ખનિજ ચોરી પકડીને દંડનીય કાર્યવાહી કરી છે. જેને લીધે કેટલાક ખનિજ ચોરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે તેમ છતાં સરકારના નિયમોને ઘોળીને પી જવાની માનસિકતા ધરાવતા કેટલાક તત્વો રાત્રે અથવા તો વહેલી સવારે રેતી ભરીને જઇ રહ્યા છે. તંત્ર દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મળતી ખનિજ ચોરીની ફરિયાદો અને બાતમી આધારે હજુ પણ અભિયાનને તેજ બનાવી ખનિજ ચોરી કરનારા ખનિજ માફીયાઓ વિરૂધ્ધ ચેકીંગ ઝૂંબેશને વેગવાન બનાવાશે તેમજ ખનિજ ચોરીમાં ઝડપાતા વાહનોને રાજયસાત કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે તેમ સૂત્રોએ જણાવ્યુ હતું.