મેરાન્યૂઝ નેટવર્ક.જૂનાગઢ: શહેરમાં રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું કવરેજ કરવા ગયેલા પત્રકારો પર પોલીસે લાકડીઓ વરસાવી હતી. આ મામલે દિવસભર પત્રકારો સતત વિરોધ અને કડક કાર્યવાહી માંગ સાથે ધરણા પર બેસી ગયા હતા. તેમજ આ લાઠીચાર્જ મુદ્દે રાજ્યમાં ઠેર-ઠેર ભારે વિરોધ પ્રદર્શનો કરાયા હતા. જેને પગલે જૂનાગઢ રેન્જ આઇજીએ જૂનાગઢ એ ડીવીઝનના ડીસ્ટાફના એક પીએઆઇ તેમજ બે કોન્સેટેબલને સસ્પેન્ડ કર્યા છે.

ગૃહમંત્રાલયના ત્વરિત કાર્યવાહીના આદેશ બાદ લેવાયો નિર્ણય

આ તકે પાંચ જેટલા પોલીસકર્મીઓએ પત્રકારો પર જ રીતસર હુમલો કર્યો હતો. સ્વામી પર થયેલા હુમલાને રોકવામાં નિષ્ફળ પોલીસે મીડિયાને નિશાન બનાવ્યું હતું અને પત્રકારોને લાફાં ઝીંકી અને લાઠીચાર્જ કરાયો હતો. આ સમગ્ર બનાવની તપાસ એએસપી રવિતેજા કાસમ સેટ્ટીને સોંપવામાં આવી હતી. ગૃહમંત્રલાયના ત્વરિત કાર્યવાહીના આદેશ બાદ સીસીટીવી સહિત ઘટનાના વાયરલ વીડિયોની તપાસ બાદ પીએસઆઈ ગોંસાઈ અને ભરત ચાવડા તેમજ વિજય બાબરિયા નામના બે કોન્સ્ટેબલને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

જાણો શું હતો સમગ્ર મામલો

રવિવારે ગઢડા મંદિર ટ્રસ્ટની બહુચર્ચિત ચૂંટણી પછી હવે જૂનાગઢના મુખ્ય સ્વામિનારાયણ મંદિરના રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈ છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આચાર્ય પક્ષના સમર્થકોએ દેવપક્ષના સંત તેમજ સમર્થકો પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ પોલીસે સ્થિતિ પર નિયંત્રણ મેળવવા કવાયત શરૂ કરી દીધી હતી. વિવિધ ચર્ચાઓમાં કહેવાઈ રહ્યું છે કે, ગઢડામાં હારેલા આચાર્ય પક્ષે જૂનાગઢમાં પણ હાર ભાળી જતા દેવપક્ષના સ્વામિ પર હુમલો કરાવ્યો છે. માત્ર એટલું જ નહીં પોલીસે મીડિયા પર દાદાગીરી કરી લાઠીચાર્જ કર્યો હતો.