મેરાન્યૂઝ.ગાંધીનગરઃ મૂળ નડિયાદના વતની અને હાલ ઓસ્ટ્રેલિયામાં રહેતા ગીરીશ મકવાણા (જી કે મકવાણા)એ હાલ ઓસ્ટ્રેલિયન ફિલ્મ જગતમાં ડંકો વગાડી દીધો છે. તેમણે હાલમાં જ બનાવેલી પોતાની પ્રથમ ફિલ્મ ‘ધ કલર ઓફ ડાર્કનેસ’ને પાંચમા ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટીવલમાં બેસ્ટ ફિલ્મ એવોર્ડ એનાયત કરાયો છે.

ગુજરાતના નડિયાદના વતની ગીરીશ મકવાણાનું પરિવાર હજુ વતનમાં જ રહે છે તેઓ પોતે હાલ ઓસ્ટ્રેલિયા રહે છે. તેમને એક બહેન છે જે મુંબઈ પરણાવેલા છે. તેઓ વખતો વખત ભારત પ્રવાસ ખેડે છે. ફિલ્મના ડાયરેક્ટર, મ્યૂઝિક ડાયરેક્ટર, સ્ક્રિપ્ટ રાઈટર સહિતની ઘણી જવાબદારીઓ નીભાવનાર ગીરીશ મકવાણાએ meranews.com સાથેની વાત કરતાં કહ્યું કે, આ ફિલ્મનો વિષય એ છે કે, જ્યારે આપણે ગોરા-કાળા રંગની વાત કરીએ છીએ, જ્યારે આપણે ઓસ્ટ્રેલિયામાં ઈન્ડિયન્સ પર હુમલાની ઘટનાઓ સાંભળીએ છીએ, જ્યારે બે અલગ અલગ સંસ્કૃતિના લોકોને રંગ સાથે જોડીને ચર્ચા થાય છે ત્યારે ખરેખર આપણામાં શું છે. ભારતમાં ખરી સ્થિતિ શું છે, તે તમામ વિષયો પર પણ વિચારવું જોઈએ. મારી ફિલ્મ ખરેખર એક લવ સ્ટોરી છે પણ તે બે રંગો વચ્ચેની ડાર્કનેસ દર્શાવે છે તેથી તેનું નામ મેં ધ કલર ઓફ ડાર્કનેસ પસંદ કર્યું છે.

તેમણે વાત આગળ લંબાવતા કહ્યું કે હું અહીં નડિયાદમાં પરિવાર સાથે રહેતો હતો હાલ ઓસ્ટ્રેલિયા રહું છું. ફિલ્મો તરફની મારી સફર ઘણી મહેનત માગીલે તેવી રહી છે, પણ મારુ માનવું છે કે કલા એ પાણી જેવી હોય છે. જો તમારી અંદર કોઈ સાચી કલા છે તો સમય જતાં તેની નોંધ જરૂર લેવાય છે. મારી આ ફિલ્મમ હાલ ઓસ્ટ્રેલીયન એક્સેન્ટ સાથે અંગ્રેજીમાં રિલીઝ થઈ છે પરંતુ આગામી 13મીએ અમે તેને હિન્દી અને ગુજરાતીમાં પણ પછીથી રૂપેરી પડદા પર રજુ કરી શકીશું કે જેથી અન્યો પણ અમારા વિષયને સમજી શકે અને ફિલ્મનો આનંદ માણી શકે.

ગીરીશ મકવાના એ પહેલા ગુજરાતી છે જેમની ઓસ્ટ્રેલીયન ફિલ્મને આટલી સફતા મળી હોય. તેમણે આ સંદર્ભે પણ અન્ય ફિલ્મો અને તેના કાર્ય અંગે વાત કરતાં કહ્યું કે, ખાસ કરીને મારી કામ કરવાની રીત પણ અલગ જ છે. મેં જ્યારે ફિલ્મનું નામ નક્કી કરવાનું હતું ત્યારે કોઈને પુછ્યું પણ ન હતું અને અચાનક જ અડધો કલાકમાં નિર્ણય કરી લીધો હતો કે હા, આ જ રહેશે મારી ફિલ્મનું શિર્ષક.

આ સિવાય તેમણે એવું પણ કહ્યું કે, આગામી સમયમાં મારી આ ફિલ્મને મળેલી સફળતા બાદ હું વધુ એક મુવી લોકો સમક્ષ રજુ કરવાનો છું. જેનું નામ છે સાધુ, જેમાં એક મેસેજ એ છે કે તમારી ઈચ્છાઓનો અંત નથી. તે મેસેજ પણ લવ સ્ટોરી આધારે રજુ કરવામાં આવશે પણ હાલ તેની કામગીરી આગળ વધી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ અમે ભારતમાં જ કરવાના છીએ.