COVER STORY

ભાવનગર જેલમાં કેદીનું અવસાન થતાં જેલ અધિકારીએ તેને આપી કાંધ અને આપ્યા અગ્ની સંસ્કાર, જાણો આવું કેમ થયું

gujarat

હઠીસિંહ ચૌહાણ (મેરાન્યૂઝ.ભાવનગર): સામાન્ય સંજોગોમાં પ્રજાને ખાખીનો અનુભવ બહુ સારો થતો નથી, પણ ખાખી પાછળ જીવતો માણસ પણ ક્યારેક દ્રવી ઉઠે છે અને ત્યારે તેમનામાં રહેલી માણસાઈના દર્શન થાય છે. ભાવનગર જિલ્લા જેલમાં રહેલા એક ગરીબ કેદીનું હૃદય રોગના કારણે અવસાન થતાં કેદીના પરિવારને જેલ દ્વારા જાણ કરવામાં આવી, પણ અત્યંત ગરીબ અને દારૂણ સ્થિતિમાં જીવતા કેદીના પરિવાર પાસે મૃતદેહને પોતાના ગામ લઈ જવા અને અગ્ની સંસ્કાર માટે પણ પૈસાનો અભાવ હોવાનું જણાવતા ભાવનગર જેલના અધિકારીઓએ ખુદ પોતે તેમને કાંધ આપી તેમના અંતિમ સંસ્કાર કરાવ્યા હતા.

મૂળ બોટાદ જિલ્લાના પાળિયાત તાલુકાના સારવા ગામમાં રહેતા ભરત ચૌરડિયાને બોટાદ પોલીસે દેશી દારુ વેચવાના કેસમાં ફેબ્રુઆરી માસમાં ધરપકડ કરી ભાવનગર જેલમાં મોકલી આપ્યો હતો. માર્ચ મહિનાથી લોકડાઉન જાહેર થતાં કોર્ટ કાર્યવાહી પણ સિમિત બની ગઈ હતી. જેના કારણે ભરત પોતાના જામીન મુકી શક્યો ન્હોતો, આ ઉપરાંત ભરત પાસે વકીલ રોકવાના પણ પૈસા ન્હોતા. તેના માટે તેને જામીન પર કોણ છોડાવે તે પણ એક પ્રશ્ન હતો.


 

 

 

 

ત્રણ દિવસ અગાઉ ભાવનગર જેલમાં રહેલા ભરતને અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો. ભરતની સ્થિતિ સમજી ગયેલા જેલ અધિકારીઓ તેને તરત જેલ સ્ટાફ સાથે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં કાર્ડિયાક યુનિટના તબીબોએ ભરતને સારવાર આપવાની શરૂઆત કરી હતી, પરંતુ હૃદય રોગના હુમલાની તિવ્રતા એટલી હતી કે, ડોક્ટર્સના પ્રયત્નો નિષ્ફળ નિવડ્યા અને ભરતનું અવસાન થયું.

ભાવનગર જેલના જેલર આર બી મકવાણાએ ભરતના પરિવારને ફોન કરી ભરતનો મૃતદેહ સ્વિકારવાની જાણકારી આપી હતી, પરંતુ ખેત મજુરી કરી રહેલા ભરતના ભાઈએ લાચારી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, તેણે જિંદગીમાં ક્યારેય ભાવનગર પણ જોયું નથી અને તેની પાસે ભાવનગર આવવાના પણ પૈસા નથી. જેલર મકવાણાએ તેને વિનંતિ કરી કે તે કોઈની પાસે ઉછીના પૈસા લઈ ભાવનગર પહોંચે તો તે પોતે તેને આવવા જવાના ભાડાની વ્યવસ્થા કરી આપશે. જેલરના આશ્વાસન બાદ ભરતનો ભાઈ કોઈની પાસે ઉધાર પૈસા લઈ ભાવનગર સરકારી હોસ્પિટલ પહોંચ્યો હતો.

 

જ્યાં જેલ અધિકારીએ તેને મૃતદેહ સોંપવાની વાત કરતાં તેનો ભાઈ દયામણો થઈ ગયો હતો અને તેણે રડમસ અવાજે કહ્યું કે સાહેબ મારા ભાઈને મારા ગામ લઈ જવા માટે મારી પાસે શબવાહીનીના પણ પૈસા નથી અને તમને તેની મદદ કરો તો પણ ગામ લઈ જઈ તેના અંતિમ સંસ્કાર કરવાના પણ મારી પાસે પૈસા નથી. કેદીઓ માટે નિષ્ઠુર લાગતા જેલ અધિકારી મકવાણા આ ગરીબ માણસની વેદના સમજી ગયા અને તેમણે જાતે જ કેદી ભરતના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કર્યો. જેલર મકવાણાએ સ્થાનીક સામાજીક આગેવાન અલ્ફાઝ શેખ અને હનીફ શેખને મદદ માટે બોલાવી ભરતના અંતિમ સંસ્કારની તૈયારી કરી. 

જેલર મકવાણા અને જેલ સ્ટાફે ખુદ કેદી ભરતની નનામીને કાંધ આપી અને હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અગ્ની સંસ્કાર કરી ભરતના ભાઈને તેના અસ્થિ આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમિયાન સાસણગીરના એક કેદીનું અમદાવાદની સાબરમતી જેલ ખાતે અવસાન થતાં અમદાવાદના જેલ અધિકારીઓએ પણ તે કેદીના અગ્ની સંસ્કાર કર્યા હતા.

 

 

 

ALL STORIES

Loading..
 

ADVERTISE
WITH US


CALL US
+91-9998 3349 86   |   +91-9825 0476 82
MAIL US
info@meranews.com