મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: રાજકોટના નિલકંઠ સિનેમા પાસેથી ભકિતનગર પોલીસે ૧૦ કિલો ગાંજા સાથે મહિલાની ધરપકડ કરી હતી અને રૂા.૭૪ હજારનો મુદ્દામાલ કબજે કરી આ જથ્થો સુરતથી લાવ્યાની કબૂલાત આપતા સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે. મહિલાની માતા, બહેન-બનેવી સહિતના સગા ગાંજાનો વેપાર કરતા જેલની હવા ખાઈ રહ્યા છે. તેમજ તેઓને છોડાવવા માટે મહિલાએ પોતે પણ આ નશાનો કારોબાર શરૂ કર્યો હોવાનું કબુલ્યું હતું. તેણીની આ વાત સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. 

ભકિતનગર પોલીસ સ્ટેશન પાસે જ આવેલ નિલકંઠ સિનેમાના ગેઈટ નજીકથી ભકિતનગર પોલીસ દ્વારા પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. દરમિયાન મહેમુદાબેન ઉર્ફે લાલુડી હુસેનભાઈ મામદભાઈ કઈડ (ઉ.વ.૩૪)ને અટકાવી તલાશી લેતાં તેની પાસેથી રૂા.૬૨,૫૦૦ની કિંમતનો ૧૦ કિલો અને ૪૩૦ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. મોબાઈલ ફોન અને રોકડ સહિત રૂા.૭૪,૨૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યેા હતો. મહેમુદા આ જથ્થો સુરતના અશ્ર્વિનીકુમાર વિસ્તારમાંથી પરપ્રાંતિય શખસ પાસેથી ખરીદી એસ.ટી.બસમાં રાજકોટ આવ્યાની કબૂલાત આપી હતી. 

મહેમુદાની માતા અમિનાબેન ભકિતનગર પોલીસના હાથે બે વખત માદક પદાર્થેા સાથે ઝડપી લીધી હોય જે હાલ જેલમાં છે અને તેની બહેન મદીના ઉસ્માન જુણેજા તથા બનેવી ઉસ્માન લઘરભાઈ જુણેજા તેમજ ભાણેજ અફસાના ઉસ્માન જુણેજા વર્ષ ૨૦૧૮માં ૩૭૦ કિલો ગાંજા સાથે ઝડપાયા હોય આ તમામ હાલ જેલમાં છે. જેને પગલે પરિવારનું ગુજરાન ચલાવવા અને જેલમાંથી છોડાવવા વકીલની ફી વગેરે માટે પૈસાની જરૂર હોવાથી તેણીએ ગાંજાનો વેપલો શરૂ કર્યેા હતો. જો કે મહેમુદા પરિવારને જેલમાંથી છોડાવવાના બદલે પોતે જ માદક પદાર્થેા સાથે ઝડપાઈ જતાં પોતાને પણ જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.