પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ):  હાર્દિક પટેલે બરાબર 19 દિવસ પહેલા ત્રણ મુદ્દાને લઈ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. જેમાં પાટીદારોને અનામત, ખેડૂતોની દેવા માફી અને અલ્પેશ કથેરીયાની જેલ મુક્તિ હતી. પણ 19 દિવસ દરમિયાન ભાજપે હાર્દિક પટેલની માગણીના મુદ્દે કોઈ વાત કરવાની તૈયારી બતાડી નહીં. બીજી તરફ હાર્દિકના ભરોસે ગાંધીનગર સર કરવા નિકળેલા કોંગ્રેસના નેતાઓને પણ અંદાજ આવી ગયો કે બાજી હાથમાંથી નિકળી રહી છે. જેના કારણે તેમણે પણ હાર્દિકના જીવની દુહાઈ આપી હાર્દિકે પારણા કરી લેવા જોઈએ તેવો રાગ આલાપવાની શરૂઆત કરી હતી.

ત્રણ વર્ષ પહેલા 2015માં હાર્દિક પટેલની તાકાત અને સ્થિતિ જુદી હતી. ત્યારે હાર્દિકે જો ભાજપ સરકાર સાથે વાટાઘાટો કરી પાટીદાર અને ખેડૂતો માટે કંઈ માંગ્યુ હોત તો સંભવ છે કે થોડી ઘણી માગણીઓ સ્વીકાર્ય થઇ હોત. પરંતુ ત્યાર બાદ હાર્દિક પટેલ પોતાની ભુલમાં ફસાતો ગયો અને 2017માં હાર્દિકે કોંગ્રેસને સાથ આપી ભાજપ સામે ખુલ્લો મોર્ચો ખોલ્યો હતો. હાર્દિક કોંગ્રેસની હોડીમાં બેઠા પછી પણ 2017ની ચૂંટણીમાં ધાર્યુ નુકશાન પણ કરી શક્યો નહીં જેના કારણે ભાજપ સરકારે હાર્દિકની કોઈ પણ માગણીઓ અંગે વાત કરવાના દરવાજા બંધ કરી દીધા હતા.

હાર્દિકે ઉપવાસનું શસ્ત્ર ઉગામી ભાજપ સરકારના લમણે બંદુક મુકવાનો પ્રયાસ કર્યો હતો. હાર્દિકને અપેક્ષા હતી કે તેને 2015 જેવુ સમર્થન મળશે પણ અપેક્ષા કરતા વિપરીત સ્થિતિ નિર્માણ થઈ. જો કે હાર્દિકનો આરોપ હતો કે તેને મળવા આવતા સમર્થકોને પોલીસ રોકી રહી છે તેના કારણે સંખ્યા ઓછી છે. પણ વાસ્તવિકતા તો એવી હતી કે હાર્દિકના 19 દિવસના ઉપવાસમાં રોજ પાંચસો લોકો પણ હાર્દિકને મળવા આવી રહ્યા ન હતા. હાર્દિક અને પાસના નેતાઓને પણ ખ્યાલ આવી ગયો હતો કે ઉપવાસ વધુ ચાલે તો પણ ભાજપ સરકાર વાત કરવાની નથી અને ક્રમશ: હાર્દિકને મળવા આવનારની સંખ્યા પણ નહીવત થઈ જશે.

હાર્દિકની ઉપવાસ છાવણીમાં ક્યારેક માંડ દસ માણસો પણ નજરે પડતા ન્હોતા. કોઈ રાષ્ટ્રીય નેતા અથવા બીજા રાજ્યના નેતાઓ જ્યારે હાર્દિકની ખબર પુછવા માટે આવવાના હોય ત્યારે પાસના કાર્યકરો ફોન કરી થોડી ઘણી ભીડ પણ મહેમાનોને દેખાય તે માટે દોડાદોડી કરતા હતા. આ સ્થિતિમાં ઉપવાસનો અંત લાવવો જરૂરી હતો. જ્યારે પાટીદાર નેતાઓમાં પણ ભાજપ સરકારમાં પોતાનું વર્ચસ્વ બતાડવા માટે હોડ લાગી હતી. પાટીદાર નેતાઓ પાટીદાર સમાજની એક પણ માગણી સરકારે સ્વીકારી નહીં છતાં હાર્દિકે સમાધાન કરી લેવુ જોઈ તેવુ ગાણુ ગાવા લાગ્યા હતા. આમ હાર્દિક પણ ઈચ્છતો હતો કે ઉપવાસનો અંત આવે. આ સ્થિતિમાં હાર્દિકને ઉપવાસની સ્થિતિથી દોડવુ હતું અને ઢાળ મળ્યો તેના જેવી થઈ છે.