મેરાન્યૂઝ નેટવર્ક, સુરેન્દ્રનગર: પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલ સામે એક બાદ એક ફરિયાદો થવાનો સિલસિલો ચાલુ જ છે. રાજદ્રોહ સહિતના અનેક કેસ મામલે કોર્ટના આંટાફેરા કરતા હાર્દિક સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે જેમાં સુરેન્દ્રનગરમાં સભાને સંબોધન કરતા મંજુરી નિયમોના ભંગ બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. તેવી જ ફરિયાદ જામનગરમાં પણ કરવામાં આવી છે અને હાર્દિક સામે વધુ બે ફરિયાદો દાખલ થઇ ચુકી છે.

પાસ કન્વીનર હાર્દિક પટેલે સુરેન્દ્રનગરમાં ગત તા. ૦૫-૧૧-૨૦૧૭ ના રોજ ભક્તિનગર ખાતે સભાને સંબોધન કર્યું હતું જે સભાને મંજુરી મળી હતી. જોકે, સભાની મંજુરીમાં કલમ ૪નો ભંગ કરવામાં આવ્યો હતો. સભામાં હાર્દિક પટેલે ભાજપ સરકારને આડે હાથ લીધી હતી અને ભાજપ સરકાર માટે લુખ્ખા, ભાજપની ભવાઈ અને નવરા જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો જેથી ૧૯૫૧ની કલમ ૩૭(૩)નો ભંગ કરવા સબબ હાર્દિક પટેલ અને સુરેન્દ્રનગર પાસ કન્વીનર અમિત પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે આ ફરિયાદ વઢવાણના નાયબ મામલતદાર દ્વારા કરવામાં આવી છે. જે મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ ચલાવી છે તે ઉપરાંત જામનગરમાં પણ હાર્દિક પટેલ વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં જામનગરના સર્કલ ઓફિસર કે.બી. સંઘવીએ ‘એ’ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે પાસ કન્વીનર હાર્દિક પટેલ અને અંકિત નારણભાઈ ધાડીયા જામનગર પાસ કન્વીનર જેની સામે જીપી એક્ટ ૩૬ (ક) તથા ૭૨ (૨) અને કલમ ૧૩૪ મુજબ આરોપી અંકિત ધાડીયાએ સામાજિક સુધારણા અને શૈક્ષણિક લગતી સભાની મંજુરી માગી હતી જે સભામાં હાર્દિક પટેલ દ્વારા રાજકીય ભાષણ કરીને મળેલ સભાની પરવાનગીની શરતોનો ભંગ કરવામાં આવ્યો હોઈ જે સબબ તેની સામે ગૂનો નોંધવામાં આવ્યો છે. આમ, જામનગર અને સુરેન્દ્રનગર ખાતે હાર્દિક પટેલ સામે વધુ બે ફરિયાદો દાખલ થઇ છે તો ભાજપ સરકારની કાયદાની રણનીતિ હાર્દિક માટે વધુ મુશ્કેલીઓ સર્જી શકે છે.