મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: શહેરના ભુદરપુરા વિસ્તારમાં દલિત અને રાજપુતો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ દલિતોની નારાજગી છે કે પોલીસે માત્ર દલિતોની ધરપકડ કરી છે. પરંતુ તોડફોડ અને હિંસામાં સામેલ રાજપુતોની પોલીસે ધરપકડ કરી નથી. આ મામલે ભુદરપુરામાં રહેતા અનુબહેન પારઘીએ પણ એક ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના  કેટલાક  તથ્યો અહિંયા લખી શકાય તે પ્રકારના પણ નથી છતાં કેટલાંક અંશો અહિંયા મુકવામાં આવ્યા છે.

એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં અનુબહેન પારઘીએ આપેલી ફરિયાદ પ્રમાણે તા. 16 એપ્રિલના રોજ પોતાના ઘરમાં હતા ત્યારે રાતના સાડા દસ વાગ્યાના સુમારે તેમણે શેરીમાં બુમાબુમ સાંભળી હતી. તે અંગે તેમણે પુછતાં જાણવા મળ્યુ કે નજીકમાં આવેલી રાજપુત સમાજની હોસ્ટેલના યુવકે દલિત યુવતીઓને મશ્કરી કરે છે તેના કારણે બબાલ થઈ છે. અનુબહેનના પતિ મહેશભાઈ નોકરીથી પરત આવી સુઈ ગયા હતા જ્યારે તેમનો પુત્ર સાહિલ ટીવી જોઈ રહ્યો હતો, જયારે દિકરી રેખા મારી સાથે ઘરમાં હતા.

તે દરમિયાન એકદમ બુમાબુમ સંભાળી અને પોલીસે ટીયરગેસ છોડતા અમારા ઘરમાં ગેસ આવા લાગ્યો હતો. અમારી ગલીમાં પોલીસ આવી છે તેવો અવાજ સાંભળ્યો હતો. અચાનક મારા ઘરનો દરવાજો કોઈ જોરથી પછાડવા લાગ્યુ હતું મને લાગ્યુ કે દરવાજો તોડી નાખશે જેના કારણે મેં દરવાજો પકડી રાખ્યો હતો પણ દરવાજો તુટી ગયો અને ઘરમાં વિધ્યાર્થી જેવા લાગતા ચડ્ડા પહેરેલા યુવકો હાથમાં હોકી સાથે ઘુસી આવ્યા તેમણે મારા શરીરના કેટલાંક ખાસ અંગો ઉપર હાથ નાખ્યો હતો. મારા ઘરમાં રહેલા પતિ અને પુત્રને તે પોતાની સાથે જબરજસ્તી ખેંચી લઈ ગયા હતા, મેં તેમને વિનંતી કરી પણ તેઓ મને અશ્લીલ ગાળો આપી રહ્યા હતા. આ યુવકોએ મને પણ માર માર્યો હતો. આમ મારી સાથે શારીરીક છેડછાડ કરનાર મને મારનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.