મેરાન્યૂઝ નેટવર્ક. ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના સંબંધો જગજાહેર છે છતાં તેમની વચ્ચેના  સંબંધો અંગે લખાય ત્યારે બંને નારાજ થઈ જાય છે અને તેને અફવા ગણાવે છે, પરંતુ શનિવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પત્રકાર  પરિષદ બોલાવવામાં આવી હતી, ત્યારે આવું જ કંઈક થયું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણી  દ્વારા સૂર્યશક્તિ કિસાન યોજનાની જાહેરાત કરવાના હતા તે માટે માહિતી વિભાગ દ્વારા પત્રકારોને જાણ કરવામાં આવી હતી. સાંજના ચાર વાગે નર્મદા હોલમાં પરિષદ રાખવામાં આવી હતી. પોણા ચાર વાગે રાજ્ય કક્ષાના મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મુખ્યમંત્રીના ખાસ સચિવ કૈલાશનાથ આવી ગયા હતા ત્યાર બાદ તુરંત કેબિનેટ મંત્રી સૌરભ પટેલ પણ આવી પહોંચ્યા હતા.

બરાબર ચાર વાગે મુખ્યમંત્રી  વિજય રૂપાણી પણ આવી ચુક્યા હતા. રૂપાણી આવી જતા રૂપાણી સહિત તમામે મંચ ઉપર સ્થાન  લઈ લીધું હતું, પરંતુ એક ખુરશી મંચ ઉપર ખાલી હતી તે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હતી. પ્રોટોકોલ પ્રમાણે પણ  મુખ્યમંત્રીના આગમન પહેલા મંત્રી અને સચિવે હાજર  રહેવાનું હોય છે પરંતુ અહીંયા સ્થિતિ એવી નિર્માણ થઈ કે  મુખ્યમંત્રી આવી ગયા પણ નીતિન પટેલ આવ્યા નહોતા જેના કારણે મુખ્યમંત્રી નીતિન પટેલની રાહ જોવા લાગ્યા હતા.

આ સ્થિતિ વિજય  રૂપાણી માટે મુંઝવણભરી હતી કારણ સામે બેઠેલા પત્રકારો પૂછી રહ્યા હતા કે નીતિનભાઈ હજી નારાજ છે, આ પ્રશ્નનો જવાબ આપવાને બદલે તેમણે માત્ર સ્મિત આપ્યું હતું. બીજી તરફ અધિકારીઓ નીતિન પટેલને જાણ કરવા દોડાદોડી કરી રહ્યા હતા. નીતિન પટેલ આખરે 4.15 વાગે આવ્યા ત્યારે બાદ પરિષદ શરૂ થઈ હતી.