મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: જામનગરમાં હત્યા, લૂંટ, જૂથ અથડામણ અને ચોરી સહિતના બનાવોમાં ઉછાળો આવતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઉભા થયા છે. ચકચારી કિરીટ જોશી હત્યા પ્રકરણના મુખ્ય આરોપીઓ હજુ ફરાર છે ત્યાં જામનગર આરટીઓ પાસીંગવાળી વૈભવી કાર સામે જ હવામાં ફાયરિગ કરતા બે યુવકોનો વીડિયો વાયરલ થતા કાયદો અને વ્યવસ્થા અંત્યત કથળી હોવાના પુરાવા સામે આવ્યા છે.

શહેર જીલ્લામાં કાયદો વ્યવસ્થા સુચારુ બનાવવા નવા એસપી શરદ સિંઘલ દ્વારા દારૂ, જુગારની પ્રવૃતિઓ સામે અને રોમિયાગીરી કરતા શખ્સો અને ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે યોગ્ય કાર્યવાહી શરુ કરી હતી. પરંતુ આ કાયવાહી ગંભીર ગુનેગારો માટે ક્ષુલ્લક પુરવાર થઇ રહી હોય તેમ ગંભીર ગુનાઓનો ગ્રાફ સતત ઉંચકાતો જ રહ્યો છે. હત્યા સહિતના ગુન્હાઓ ઘટવાને બદલે વઘતા છેલ્લા દસ દિવસમાં હત્યાની ત્રણ ઘટના ઘટી છે. કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ વચ્ચે આજે સોશિયલ મીડિયામાં ધડાધડ ફાયરિંગ કરતા બે નબીરાઓનો વીડિયો વાયરલ થયો છે. કોઈની શેહ શરમ કે ડર વગર બે યુવાનો GJ 10 CG 7207 નંબરની ગાડી બહાર પિસ્તોલ હાથમાં લઇ હવામાં ધડાધડ ફાયરિંગ કરી રહ્યા છે. જો કે આ વિડીઓ જામનગરનો છે કે અન્ય કોઈ જગ્યાનો ? તે સ્પસ્ટ થયું નથી અને ફાયરિંગ કરનાર શખ્સો પણ ઓળખાયા નથી ત્યારે મર્સિડિઝ કારના સામે દેખાત નંબરના આધારે પોલીસ તપાસ કરે તો આ ઘટના પરથી પડદો ઉચકી શકે તેમ છે. હાલ આ વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.