મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: પ્રખ્યાત અભિનેતા દિલીપ કુમારની તબિયત લથડતા તેમને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 95 વર્ષના દિલીપ કુમારને શ્વાસ લેવામાં મુશ્કેલી થતાં તેમને દાખલ કરવામાં આવ્યા છે. જો કે લીલાવતી હોસ્પિટલના ડાયરેક્ટર ઑફ ઓપરેશન્સ અજય પાંડેએ કહ્યું છે કે ચિંતાની કોઈ વાત નથી. દિલીપ કુમાર હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે લાવવામાં આવ્યા છે. બીજી તરફ દિલીપ કુમારના ટ્વિટર પેજ દ્વારા પણ તેમની તબિયતમાં સુધારો હોવાની વાત કહેવામાં આવી છે. તેમને છાતીમાં ચેપના કારણે હોસ્પિટલ લઇ જવાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ દિલીપ કુમારને ગત ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડિહાઇડ્રેશનના કારણે તેમની પહેલા પણ તબિયત લથડી હતી. ટ્રેજેડી કિંગના નામથી પ્રખ્યાત એક્ટર દિલીપ કુમારની તબિયત છેલ્લા કેટલાક વર્ષોથી સારી નથી રહેતી.

‘દેવદાસ’, ‘મુગલ-એ-આઝામ જેવી સદાબહાર ફિલ્મો પોતાનો અભિયન દેખાડનાર દિલીપ કુમાર છેલ્લે 1998માં આવેલી ફિલ્મ ‘કિલા’ માં નજર આવ્યા હતા. તેમને વર્ષ 2015માં પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.   

દિલીપ કુમારનું સાચુ નામ મોહંમદ યુનિસ ખાન છે. તેઓનો જન્મ 11 ડિસેમ્બર 1922ના રોજ બ્રિટિશ રાજમાં પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. 1997માં પાકિસ્તાન સરકાર દ્વારા દિલીપ કુમારને ‘નિશાન-એ-આઝમ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.