મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ વેરાવળ પંથકમાંથી વર્ષ ૨૦૧૫-૧૬ માં રીયલ ઇન્ડીયા પ્રા.લી. નામની કંપનીએ ઓફીસ ખોલી એજન્ટો મારફત બચત અને ડીપોઝિટ યોજનાની જુદી-જુદી લલચામણી સ્કીમો આપી ૮૧૫ લોકોના રૂા.૩.૨૫ કરોડ લઇ રફુચકકર થઇ ગયા હતા. આ અંગે એજન્ટ દ્વારા કંપનીના ઉત્તરપ્રદેશના લખનઉમાં રહેતા ૧૦ અને વડોદરા રહેતા 1 મળી કુલ ૧૧ લોકો સામે ફરિયાદ નોંઘાવતા પોલીસે છેતરપીંડી અને કાવતરાની કલમો હેઠળ ગુન્હો નોંઘી તપાસ હાથ ઘરેલ છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સને ૨૦૧૫માં વેરાવળમાં વિનાયક પ્લાઝામાં રીયલ ઇન્ડીયા પ્રા.લી. નામની કંપની ની ઓફીસ ખોલી જુદી-જુદી બચત યોજનાઓ અને ડિપોઝીટની સ્કિમ બનાવી હતી. જેમાં રોકાણકારોને એકથી પાંચ વર્ષમાં રોકાણ કરવાથી ૪ ટકાથી લઇને ૧૫ ટકા સુઘીના વળતરની ખાત્રી આપતી સ્કીમ એજન્ટો મારફતે બજારમાં મુકી હતી. આ સ્કીમમાં અંદાજે ૧૫ જેટલો એજન્ટો મારફત ૮૦૦થી વઘુ લોકોએ વર્ષ ૨૦૧૫-૧૬ના ગાળામાં અલગ-અલગ સમયે દૈનિક બચત, માસીક બચત અને ડીપોઝિટની સ્કીમોમાં રૂા.૩,૨૫,૧૨,૭૩૩ જેવી માતબર રકમ કંપનીમાં ડીપોઝિટ કરાવી હતી. આ પૈકીની અમુક રકમ પાકતી મુદતે પૂર્ણ થતા રકમ મેળવવા કંપનીની ઓફીસે જૂન-૨૦૧૬ માં ગયેલ ત્યારે કંપની બંઘ થઇ ગયેલ હોવાનું જણાયેલ હતું અને ત્યારબાદ ચારથી પાંચ એજન્ટો એ કંપનીના લખનઉ મુકામે ડીરેકટર્સ અને એમ.ડી. પ્રદીપ ગુપ્તાને રૂબરૂ મળી રકમની માંગણી કરેલ હતી. જેની સામે ગુપ્તા એ જણાવ્યું કે, કંપનીએ જમીન ખરીદ કરેલ હોય તે વેચાણ થઇ જશે એટલે તમામ ગ્રાહકોના પૈસા લાભ સહીતના પરત આપવાની ખાત્રી આપેલ હતી, પરંતુ રકમ આજદિન સુઘી પરત આપી ન હતી.

ઉપરોકત બાબતે એજન્ટ યોગેશ રતિલાલ જોષી એ રીયલ ઇન્ડીયા કંપનીના પ્રદીપ ગુપ્તા, પ્રદયુમનસિંહ, નીખીલકુમાર શ્રીવાસ્તવ, પંકજકુમાર શ્રીવાસ્તવ, પ્રતિક મીશ્રા, જયોતિ ગુપ્તા, મમતા શર્મા, સુસ્મીતા સકસેના, મહમદ હનીફ અને ભોલેનાથ સહાની રહે.તમામ લખનઉ, ઉત્તરપ્રદેશ તથા ઘ્રૃવ રમજુભાઇ નીશાદ રહે.વડોદરા વાળા સામે ફરિયાદ નોંઘાવતા પોલીસે આઇ.પી.સી. કલમ ૪૦૯, ૪૦૬, ૪૨૦, ૧૨૦ બી મુજબનો ગુન્હો નોંઘી વઘુ તપાસ પી.આઇ. કોલી એ હાથ ઘરેલ છે.