મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ વડોદરાની ભારતી સ્કૂલમાં ધોરણ 9ના વિદ્યાર્થીની હત્યા કરનાર 10મા ધોરણના સગીરને પોલીસે વલસાડથી ઝડપી લીધો છે પણ તેની પૂછપરછમાં દેવ તડવીની હત્યા કેમ કરી તે અંગે સગીરે આપેલું કારણ સાંભળી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. હત્યા કરનાર સગીર દેવ તડવીની ઓળખતો સુધા નહોતો.

પોલીસે કરેલી પૂછપરછમાં જણાવ્યું કે, ત્રણ  દિવસ પહેલા  શિક્ષકે હોમવર્કના મુદ્દે તેને માર્યો હતો, ત્યારે તેને શિક્ષક ઉપર ખૂબ ગુસ્સો આવ્યો હતો. તેણે આ અંગે પોલીસ  કંટ્રોલ રૂમને ફોન કર્યો અને પોલીસ આવી પણ શિક્ષક સામે પગલાં ભર્યા વગર જતી રહી તેના કારણે તે નારાજ હતો.

તે આ મુદ્દે સ્કૂલને પાઠ ભણાવવા માંગતો હતો. તેના માટે તે સ્કૂલમાં કોઈની હત્યા કરે તો સ્કૂલ બંધ થઈ જાય તેવું માનતો હતો, માટે તેણે સ્કૂલમાં હત્યા કરવાનું નક્કી કર્યું હતું. જોકે કોની હત્યા કરવી તે નક્કી નહોતું, તે હત્યાના ઇરાદે ચાકુ લઈ સ્કૂલમાં આવ્યો ત્યારે તેને દેવ મળી ગયો હતો, તે ખરેખર દેવને ક્યારેય મળ્યો નહોતો અને ઓળખતો પણ નહોતો.

તે સ્કૂલમાં આવ્યો ત્યારે તેના પહેલા દેવ મળી ગયો માટે તેને મારી નાખ્યો હતો. તે માનતો હતો કે હત્યાની ઘટના બાદ સ્કૂલ બંધ થઈ જશે, પોલીસે તેને પૂછ્યું કે શિક્ષક ઉપર ગુસ્સો હતો તો શિક્ષકને કેમ માર્યા નહીં તો તેણે કહ્યું શિક્ષક શારીરિક રીતે મજબૂત હોવાને કારણે તેણે કોઈ વિદ્યાર્થીને મારવાનો નિર્ણય કર્યો હતો.

આમ આખી ઘટનામાં દેવ તડવીને કોઈ નિસબત નહીં હોવા છતાં તેનો જીવ ગયો હતો.