મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ હજીરા ગામમાં આવેલી નવીન મોહનની ચાલમાં રહેતા એક પરપ્રાંતીય પરિવારની ત્રણ વર્ષની બાળકી ગઇકાલ બપોરે ત્રણ વાગ્યે ગૂમ થયા બાદ સાંજના સાડા પાંચ વાગ્યે આ બાળકીને એક યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં તેના ઘરે મૂકીને ચાલ્યો ગયો હતો. પોલીસની પૂછપરછમાં પીડિત બાળકી માત્ર એટલુ જણાવી શકી છે કે દુષ્કર્મીએ લાલરંગનો શર્ટ પહેર્યો હતો. આ સિવાય તે આરોપીની ઓળખ જણાવી શકી નથી.

બાળકીને ગુપ્ત ભાગેથી લોહી નીકળતું હોય તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી જ્યાં તેના પર બળાત્કાર થયો હોવાનું તબીબોએ જણાવ્યું હતું.  બાળકીના શરીર પરથી વીર્યના ડાઘ પણ મળી આવ્યા હતા. જે યુવાન બાળકીને મૂકવા આવ્યો હતો તેની પોલીસ દ્વારા આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. ડીસીબી, પીસીબી, એસઓજી અને હજીરા પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં નાકાબંધી કરીને જ્યાં પણ સીસીટીવી ફૂટેજ મળી શકે તેમ છે તે જોવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

હજીરા ખાતે આવેલી નવીન મોહનની ચાલમાં રહેતા યુપીવાસી પરિવારની ત્રણ વર્ષની બાળકી ગઇકાલ બપોરના ત્રણ વાગ્યે ઘર પાસેથી અચાનક ગૂમ થઈ ગઈ હતી. પરિવારના સભ્યોએ તાત્કાલિક પોલીસને જાણ કરવાના બદલે પોતાની રીતે આજુબાજુના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બાળકી મળી આવી નહોતી. આ દરમિયાન સાંજના સાડા પાંચ વાગ્યે 19 વર્ષીય એક યુવાને આ બાળકીને લોહી નીકળતી હાલતમાં તેના પરિવારના સભ્યોને સોંપી હતી અને એવું જણાવ્યું હતું કે ઘર નજીક આવેલી ઝાડીઝાંખરામાં આ બાળકી રડતી હતી અને લથડિયાં ખાતી હતી જેથી તે અહીં લઈ આવ્યો છે. તાત્કાલિક બાળકીને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. ત્યાં તબીબોએ તેના પર બળાત્કાર થયો હોવાનું જણાવ્યું હતું.

પોલીસની સાત અલગ અલગ ટીમો હજીરા અને તેની આસપાસના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ પણ તપાસી રહી છે, જેમાં કોઈ શકમંદ બાળકીને લાવતું લઈ જતું જણાય તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. બાળકી માત્ર એટલુ જણાવી શકી છે કે દુષ્કર્મ કરનારે લાલરંગનું શર્ટ પહેર્યું હતું.