મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: જામનગર જીલ્લા પોલીસમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કોન્સ્ટેબલ્સને જીલ્લા પોલીસ વડે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી છે. આ ત્રણેય પોલીસ કર્મીઓને કાયદો વ્યવસ્થા જાળવી અસામાજીક પ્રવૃત્તિને અટકાવવી એક પ્રથમ કર્તવ્ય હોવું જોઈએ પરંતુ કાયદાનું રક્ષણ કરવાને બદલે આ ત્રણેય પોલીસકર્મીઓએ કાયદો તોડી પોલીસ પ્રતિષ્ઠાને હાની પહોચાડતા એસપી એ આ કડક કાર્યવાહી કરી છે.

જામનગર જીલ્લા પોલીસ ખાતામાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓ તેના મિત્ર સાથે શહેર નજીક આવેલ નાધેડી ગામે સીમ વિસ્તારમાં વિદેશી દારૂની મોજ માની રહ્યા છે એવી હકીકત ધ્યાને આવતા એસપી પ્રદીપ સેજુલએ ત્વરિત એલસીબીના સ્ટાફને દોડાવ્યો હતો. જેમાં પંચકોશી બી ડીવીજન માં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ કંચવા, સીટી સી ડીવીજન પોલીસ દફતરમાં ફરજ બજાવતા જયરાજસિંહ ઘનશ્યામસિંહ રાણા અને મહેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા નામના પોલીસકર્મીઓ અને અન્ય એક સખ્સ દારૂની મહેફિલ માનતા મળી આવ્યા હતા. જેને લઈને એલસીબીએ તાત્કાલિક ચારેયની ધરપકડ કરી પંચકોસી બી ડીવીજન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને લઈને જીલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુલે ત્રણેય પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. એસપીના કડક નિર્ણયને લઈને અમુક પ્યાસી પોલીસ કર્મીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. કાયદાના રક્ષણની જેણે જવાબદારી સ્વીકારી છે એ જ કાયદાનો ભંગ કરે તો અન્ય પોલીસકર્મીઓમાં દાખલો બેસાડવા કડક નિર્ણય લેવો જ પડે એમ જીલ્લા પોલીસ વડા સેજુલે જણાવ્યુ હતું.