પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): 2014માં હું પરિવાર સાથે શ્રીનગર ફરવા ગયા ત્યારે અચાનક મારી પત્નીની તબતીય શ્રીનગરમાં ખરાબ થઈ, ઓટો રિક્ષાવાળાને વિનંતી કરી કે કોઈ નજીકના ડૉકટર પાસે લઈ જાય. તે શ્રીનગરની નાની-મોટી ગલીઓ પાર કરી એક ડૉકટર પાસે લઈ ગયો. સ્વભાવીક રીતે જ તે ડૉકટર મુસ્લિમ હતા. મારી પત્નીની સારવાર કર્યા પછી તેમને મારો પરિચય પુછયો મેં જ્યારે મેં કહ્યું કે હું પત્રકાર છું અને ગુજરાતથી આવું છે તેની સાથે તેમણે મને પુછયું કે લોકસભાની ચૂંટણી આવી રહી છે, શું લાગે તમને નરેન્દ્ર મોદી માટે... મેં તરત કહ્યું કે નરેન્દ્ર મોદી જ દેશના વડાપ્રધાન થશે, પછી તેમણે મને ઘણા બધા સવાલો પુછ્યા હતા, તેમણે મને છેલ્લો સવાલ પુછયો હતો કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન થાય તો અમારા કાશ્મીરના પ્રશ્નનો ઉકેલ લાવશે કે નહીં.

હું થોડીક ક્ષણો શાંત થઈ ગયો, ડૉકટર મારા ચહેરાના હાવભાવ જોઈ રહ્યા હતા. મેં કહ્યું હું યુધ્ધનો કયારેય હિમાયતી રહ્યો નથી પણ મને લાગે છે નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી પાકિસ્તાન સાથે યુધ્ધ કરશે. આ વાકય પછી અમારી વચ્ચે કોઈ સંવાદ થયો નહીં. હું ત્યાંથી નિકળી ગયો પણ અનાયાસે મેં કહી દીધું કે નરેન્દ્ર મોદી યુધ્ધ કરશે, પણ આવું મેં કેમ કહ્યું તે અંગે હું દિવસો સુધી વિચારતો રહ્યો હતો. કદાચ મારે નરેન્દ્ર મોદી સાથેનો જેટલો પરિચય હતો જેના કારણે હું તેઓ શું કરી શકે તેનું અનુમાન બાંધી રહ્યો હતો કે પછી બીજુ કોઈ કારણ હતું? પણ મનમાં ઉંડે ઉંડે તેવું આજે પણ થાય છે કે નરેન્દ્ર મોદી યુધ્ધ કરશે તેવી મારી ધારણા  ખોટી પડે તો સારૂ.

દેશ ભકિતનો સુર શરૂ થાય ત્યારે તમામ સુર બેસુરા થઈ જાય છે. નરેન્દ્ર મોદીએ પોતાના નામની સાથે દેશ ભકિત એવી રીતે જોડી દીધી છે કે તમે નરેન્દ્ર મોદી સાથે સંમત્ત નથી એટલે તમને દેશ વિરોધી માની લેવામાં આવે છે. મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે દેશના આંતરિક મુદ્દાથી લઈ પાકિસ્તાન સાથેના સંબંધોના મુદ્દે તેમને ભાંડવામાં ખુદ નરેન્દ્ર મોદીએ પણ કઈ બાકી રાખ્યું ન્હોતુ. પેટ્રોલનો મુદ્દે, બેરોજગારી મુદ્દે, ખેડુતોનો મુદ્દો અને કાશ્મીરનો મુદ્દો... 2014 પહેલા જ્યારે નરેન્દ્ર મોદીને સાંભળ્યા હતા ત્યારે મનમાં એવું હતું કે આ માણસ આપણને ગમતો ના હોય તો પણ એક વખત તેને વડાપ્રધાન બનાવી જોવામાં કઈ વાંધો નથી કદાચ આપણે અપેક્ષા કરતા તે શ્રેષ્ઠ શાસન આપશે. તેનો અર્થ તેવો પણ નથી કે મનમોહનસિંહ શ્રેષ્ઠ શાસનકર્તા ન હતા.

ચાર વર્ષનું શાસન તુક્કાઓ આધારિત રહ્યું, કોઈ માણસ પોતાની સાથે પ્રયોગ કરે તેમાં કોઈને વાંધો હોય નહીં, પણ તે પ્રયોગો તમારી અને મારી સાથે થયા, અચ્છે દિન ના આવે તો વાંધો નહીં પણ આજ જેટલી ખરાબ રીતે પસાર થઈ તેવું આવતીકાલે ના થાય તેવી ઈચ્છા હતી. કોઈ પણ પક્ષની સરકાર હોય અને કોઈ પણ રાજનેતા વડાપ્રધાન હોય તમામની ઈચ્છા હોય છે કે તેઓ વિશ્વના શ્રેષ્ઠ શાસનકર્તા સાબીત થાય દેશની પ્રજા સમૃધ્ધ થાય, દેશની સરહદો સલામત રહે, નરેન્દ્ર મોદી પહેલા થયેલા તમામ વડાપ્રધાને તે દિશા જ કામ કર્યું હતું અને ખુદ નરેન્દ્ર મોદી પણ તેવું જ ઈચ્છે છે તેમાં કોઈ શંકા નથી, પણ સારૂ શાસન આપવામાં નરેન્દ્ર મોદી એક પછી એક ચુક એટલા માટે કરતા ગયા કારણ કે તેમને સારૂ કરવા કરતા બીજાને નીચા બતાડવામાં વધુ રસ હતો.

સામાન્ય માણસ ભુલ કરે છે તેવું જ રાજનેતા પણ કરી શકે છે, પણ જ્યારે કોઈ સારા ઈરાદે કરેલા પ્રયત્ન પછી પરિણામ મળે નહીં ત્યારે નિષ્ફળતા સ્વીકારવાને બદલે તેમણે કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી. સારૂ થયું કે કાશ્મીરમાં તેમણે પીડીપી સાથે ગઠબંધન કર્યું, જેના કારણે તેમને કાશ્મીરની વાસ્તવીકતા સમજાઈ હતી પણ હવે ભારત સરકારમાં ચાર વર્ષ થયા અને લાગ્યુ કે આપણો ગ્રાફ નીચે જઈ રહ્યો છે ત્યારે દેશની પ્રજા પોતાની મુળ સમસ્યા ભુલી જાય તે માટે પીડીપી સાથે છુટાછેડા લઈ લીધા છે. ગઠબંધન રાખવું કે તોડવું તે તેમનો પ્રશ્ન છે, પણ હવે કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવાના નામે જે કાંઈ થઈ શકે તે જોખમી છે. જો કે કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન શરૂ થઈ જતા કેટલા ટોળા યુધ્ધ કરો યુધ્ધ કરોના નારા લગાવી રહ્યા છે.

પણ યુધ્ધની વાત તે લોકો જ કરે છે જેમના પરિવારમાંથી કોઈ સરહદ ઉપર શહિદ થયા નથી. નરેન્દ્ર મોદીના ગબડી રહેલા ભાવને યુધ્ધ ફરીથી ઉપર લઈ જશે, પણ એક યુધ્ધની કિંમત બંન્ને દેશો પેઢી સુધી ચુકવશે. પાકિસ્તાનનો જન્મ જ ભારત સાથેના ધિક્કારને કારણે થયો છે. પાકિસ્તાનના શાસનકર્તા માટે ભારતને ગાળ આપવી ફરજીયાત છે, પણ ભારતના શાસનકર્તા પાકિસ્તાન કરતા જુદો હોય તેવી અપેક્ષા આપણે નરેન્દ્ર મોદી પાસે રાખીએ તો તે અતિશયોકતિ નહીં કહેવાય...

(સાભાર-ગુજરાત મીત્ર સુરત)