મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દિલ્હીમાં પરેડ ગ્રાઉન્ડમાં પેરા કમાન્ડો સાથે એક દુર્ઘટના બની છે. જવાનોને આ દુર્ઘટના નડી ત્યારે ઘણા લોકો ત્યાં હાજર હતા. તે પૈકીના કેટલાકના મોબાઈલમાં આ ઘટનાનો વીડિયો કેદ થયો છે.

ઘટના એવી બની કે 15મી આર્મી ડે સેલીબ્રેટ થાય છે. જેની તૈયારી ચાલતી હતી. જવાનો દ્વારા આ ડેને સફળ બનાવવાનું રિહર્સલ ચાલતુ હતું. દિલ્હીમાં ગેલીસન પરેડ ગ્રાઉન્ડમાં પેરા કમાન્ડો તેની તૈયારી કરી રહ્યા હતા. રિહર્સલના ભાગ રૂપે જવાનોને હેલીકોપ્ટરમાંથી દોરડું લટકાવી દોરડા દ્વારા ત્યાં લટકવાનું હતું અને દોરડા પર સરકીને નીચે ઉતરવાનું હતું.

સામાન્ય રીતે ઘણું સરળ લાગતો આ સ્ટંટ ખરેખર કેટલો જોખમી છે તે આ વીડિયોમાં જોતા જ આપને અંદાજ આવી જશે. હવે જ્યારે તેઓ નીચે ઉતરી રહ્યા હતા ત્યારે આ દરમ્યાન હેલીકોપ્ટરનો નીચેનો બેસ તૂટી ગયો હતો જેમાં 3 જવાનો નીચે પટકાયા હતા. અન્ય જવાનોએ જેવું જોયું કે દુર્ઘટના ઘટી છે તુરંત ત્યાં દોડી ગયા હતા. આ ઘટના થોડા દિવસો પહેલા બની હતી.

ઘાયલ થયેલા ત્રણ જવાન પૈકી એકની હાલત અતિ ગંભીર છે. એકને ગરદનના ભાગે હાડકામાં ઈજાઓ થઈ ગયા છે. ઘાયલ પૈકીના બે જવાનો રોહતક હરિયાણાના તથા રેવાડીના છે. ઉલ્લેખનીય છે કે જવાનો દ્વારા રજુ કરાતા સ્ટંટ્સમાં પણ તેમને ઘણા જોખમો હોય છે. જોકે તે તેમની આવડત અને હોશિયારી છે કે તેઓ આ સ્ટંટ ઘણી સહેલી રીતે લોકો સામે રજુ કરી શકતા હોય છે. એક સામાન્ય અમથી ચુક અને દેશના અમુલ્ય એવા એક એક જવાન પૈકીના જવાનનું જીવન જોખમમાં મુકાઈ જતું હોય છે. હવે, આ ઈજાગ્રસ્ત જવાનોને જે ઈજાઓ થઈ છે તે ઈજાઓથી બહાર આવતા તેમને લાંબો સમય થશે. છતાં જવાનો તમામ તૈયારીઓ સાથે જ લશ્કરમાં જોડાતા હોય છે. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને પણ હાલ પુરતી સારવાર આપવામાં આવી રહી છે.