મેરાન્યૂઝ નેટવર્ક, ચેન્નઇ: તમિલનાડુના પાંચ વખત મુખ્યમંત્રી રહેલા અને ‘કલાઇનાર’ નામથી પ્રખ્યત ડીએમકેના પ્રમુખ મુથુવેલ કરુણાનિધિનું આજે મંગળવારે 6 વાગ્યેને 10 મિનિટે ચેન્નઇની કાવેરી હોસ્પિટલમાં 94 વર્ષની વયે નિધન થયું છે. દ્રવિડ આંદોલનના ઉભરી અવેલા એમ. કરુણાનિધિ પોતાની રાજકીય કારકિર્દીના મોટાભાગના સમયમાં તમિલનાડુના કારણમાં એક ધ્રુવ સમાન બની રહ્યા. તેઓ 50 વર્ષ સુધી પોતાના પક્ષ ડીએમકેના પ્રમુખ પદે રહ્યા.

બહુમુખી પ્રતિભા ધરાવતા એમ. કરુણાનિધિ તમિલ ભાષા પર સારી પકડ ધરાવતા હતા. તેમણે ઘણા પુસ્તકો, ઉપન્યાસ, નાટકો અને તમિલ ફિલ્મોમાં ડાયલોગ્સ લખ્યા હતા. તમિલ સિનેમાથી રાજકારણમાં આવેલા કરુણાનિધિ લગભગ છ દાયકાના પોતાના રાજકીય જીવનમાં એક પણ વખત ચૂંટણી હાર્યા ન હતા. કરુણાનિધિના સમર્થક તેમને પ્રેમથી ‘કલાઇનાર’ એટલે કે કલાના વિદ્ધ્રાન કહે છે.

કરુણાનિધિ છેલ્લા કેટલાક દિવસોથી યુરીનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન અને અવસ્થાના કારણે ઘણી બિમારીઓથી પીડાતા હતા. કરુણાનિધિનું બ્લડ પ્લેશર ઘટી જતા ગત શનિવારે ચેન્નઇની કવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું આજે સાંજે નિધન થયું. આ પહેલા પણ તેમને વર્ષ 2009માં પગમાં દુખાવા બાદ સર્જરી કરાઇ હતી તથા ડિસેમ્બર 2016માં શ્વાસનળીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

કરુણાનિધિના નિધનથી તમિલનાડુમાં તેમના લાખો સમર્થકો દુખમાં સરી પડ્યા છે. તમિલનાડુમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે મૉટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. કરુણાનિધિના અંતિમ સંસ્કાર માટેની વધુ માહિતી હવે જાહેર કરવામાં આવશે.