મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: ગત મોડીરાત્રીએ પ્રાંસલા ખાતે આયોજીત રાષ્ટ્રકથા શિબિરમાં ઇલેક્ટ્રિક શોર્ટ-સરકીટને કારણે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેમાં 3 બાળાઓના કમકમાટીભર્યા મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. ત્યારે શિબિરના આયોજક સ્વામી ધર્મબંધુએ દુઃખ વ્યકત કરતા જણાવ્યું હતું કે, દર વર્ષે રાષ્ટ્રકથા શિબિરનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વખતે શોટસર્કિટના કારણે વિકરાળ આગ લાગતા 3 બાળાઓના મોત નિપજ્યાની ઘટના ખરેખર દુઃખ જનક છે અને હું પણ ઉંડો આઘાત અનુભવું છું.

સ્વામી ધર્મબંધુએ મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, આ દુઃખદ દુર્ઘટના બાદ શિબિર એક દિવસ વહેલી પુરી કરી દેવામાં આવી છે. તેમજ શિબિરાર્થીઓને આજે વહેલી સવારથી જ પોતાના ઘરે બસમાં મોકલી દેવામાં આવી રહ્યા છે. હાલમાં જમ્મુ કાશ્મીરના ૨૫ જેટલા શિબિરાર્થીઓ પ્રાંસલા ખાતે રોકાયા છે અને તેઓને કાલે જમ્મુ કાશ્મીર મોકલી આપવામાં આવશે. ઉપરાંત આ સાથે તેમણે તમામ મૃતકના પરિવાર માટે તેમણે 1-1 લાખ રૂપિયાની સહાય પણ જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે CM રૂપાણી દ્વારા પણ મૃતકોના પરિવાર માટે 4-4 લાખની સહાય જાહેર કરવામાં આવી હતી.