મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતમાં પુરવઠા નિગમના ગોડાઉનમાંથી સરકારી અનાજ સગેવગે કરવાનું  મસમોટું કૌભાંડ પોલીસને રમતા રમતા હાથમાં આવી ગયું છે. એક ટેમ્પો રોકી પોલીસે પૂછપરછ આદરી તેમાં આ આખું કૌભાંડ બહાર આવ્યું છે. સરકારી અનાજ કિલોના રૂ. પાંચ લેખે બારોબાર વેચી દેવામાં આવતું હોવાનું સ્પષ્ટ થયું છે. જેમાં ગોડાઉનના મેનેજરની પણ સંડોવણી બહાર આવી છે.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા નાગરિક પુરવઠા કેન્દ્ર પરથી ગેરકાયદે અનાજ સગેવગે કરવાનું કૌભાંડ પકડાયું છે. ઘઉંના 50 કિલાના 45 કોથળા સાથે 1ની ધરપકડ કરવામાં આવી છે જયારે 2 ફરાર થઇ ગયા છે. નવાઇની વાત એ છે કે આ કૌભાંડ બગાસું ખાતા પતાસું મળ્યું હોય એ રીતે  પકડાયું છે. ટ્રાફિકના જવાને વરાછા વિસ્તારમાં એક ટેમ્પોને રોકયો અને પૂછ્યું કે આમાં શું છે તેમાં ટેમ્પોમાં બેઠેલા બે ભાગી છૂટયા હતા એક ભાગવાની કોશીશ કરતો હતો તેને ટ્રાફિક પોલીસે પકડી લીધો હતો. આરોપીએ કબૂલાત કરી હતી કે તે નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાંથી 5 રૂપિયાના ભાવે ગેરકાયદે અનાજ લાવતા હતા.

વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસના માણસોએ સોમવારે એક ટેમ્પો પકડી પાડયો હતો. પોલીસને જોઇને ટેમ્પોમાં બેઠેલા બે ભાગી  છૂટયા હતા. જયારે અન્ય એક ભાગી છૂટવાની કોશિશ કરતો હતો  તે મનિષ અમૃતલાલ અજમેરવાલાને પોલીસે પકડી લીધો હતો. ટેમ્પોમાં 50 કિલો ઘઉંના 45 કોથળા જપ્ત કરવામાં આવ્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ આ ગોડાઉનના મેનેજર ભૂપેન્દ્ર પરમારની સંડોવણી પણ સપાટી પર આવી છે. પકડાયેલા આરોપીએ સરકારી અનાજ મેનેજર પાસેથી રૂ. પાંચના કિલો લેખે ખરીદ્યું હોવાની કબૂલાત કરી છે. ત્યારે ટૂંક સમયમાં ગોડાઉન મેનેજરની ધરપકડ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આ કૌભાંડ છેલ્લા કેટલા વખતથી ચાલતું હતું, અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, આ અનાજ કઈ જગ્યાએ વેચાતું હતું, કોણ ખરીદતું હતું વગેરે મુદ્દે વરાછા પોલીસે તપાસ આરંભી છે.