મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ શહેરના ઓલપાડ પાસેના નરથાણ ગામમાં શ્રમજીવી મહિલાએ જન્મ આપેલા બાળકમાં એક દિવસ સુધી કોઈ જ હિલચાલ દેખાઈ નહતી. એટલે પરિવારે બાળકને મૃત હોવાનું માનીને દફનાવવાની તૈયારી કરી દીધી હતી. જોકે 108 એમ્બ્યુલન્સની ટીમને ફોન કરીને બોલાવાતા પાયલોટે પોતાની સૂઝબૂઝથી તપાસ કરતાં નવજાત બાળક જીવતું હોવાનું જણાયું હતું. બાળકમાં ફરી પ્રાણ ફૂંકાયા હતા. જોકે, તે અલ્પજીવી રહ્યાં હતાં. થોડા કલાકમાં નવજાત બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ઓલપાડ વિસ્તારમાં આવેલા નરથાણ ગામમાં વીસ વર્ષની રવિના મેરૂન ભીલે પ્રસૂતિમાં રવિવારે બાળકને જન્મ આપ્યો હતો. જોકે, બાળકના જન્મની સાથે જ નવજાત જીવતુ હોવાના કોઈ જ લક્ષણ દેખાયા નહોતા. અન્ય નવજાતની જેમ આ બાળક રડતું પણ નહતું. બાળક જન્મની ખુશી નિરાશામાં પરિણમી હતી. મંગળવારે સવારે તેને દફનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી. માતાનું દુઃખ જોઈ પરિવારના એક સભ્યએ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. થોડી જ વારમાં એમ્બ્યુલન્સ સાથે ઈએમટી શબ્બીર અને પાયલોટ સુખદેવને બોલાવાયા હતાં. તેમણે તપાસ કરી હતી અને તેમના પ્રયત્નોથી બાળકનો જીવ બચ્યો હતો. તેમણે પોતાની સૂઝબૂઝથી બાળકને સારવાર આપવાની સાથે સમય વ્યતિત કર્યા વગર તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચાડી એનઆઈસીયુંમાં દાખલ કરાવ્યું હતું. તબીબોએ સારવાર શરૂ કરી હતી. થોડીવારમાં જ બાળકમાં જાણે ફરી જીવ પ્રવેશ્યો હોય તેમ રડવા લાગ્યું હતું. મુવમેન્ટ પૂરેપૂરી કરીને શ્વાસ પણ લેતું હોય તેમ છાતીમાં હલનચલન પણ દેખાવા લાગ્યું હતું. જોકે, થોડા કલાકોની સારવાર બાદ નવજાત બાળકનું મોત નિપજ્યું હતું.