મેરાન્યૂઝ નેટવર્ક.સુરત: ભાજપનો કેસરિયો છોડી કોંગ્રેસનો પંજો પકડનારા પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરા વધુ એક વખત પંજામાંથી મુક્ત થઈ કેસેરિયો ધારણ કરવા તરફ આગળ ધપવાના એંધાણ સાથે ધીરુ ગજેરાએ કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધું છે.

કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ ગુરુવારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દેતા સુરતના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. ગજેરા ફરી એકવખત ભાજપમાં જોડાઇ તેવી શક્યતાઓ ચર્ચાઇ રહી છે. કોંગ્રેસના માજી પ્રમુખ ભરતસિંહ સોંલકીના કારણે ધીરુ ગજેરાએ હાઇમાન્ડને રાજીનામું આપી દીધું હોવાનું તેમણે કહ્યું હતું.

2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ઘર વાપસી અને ઘર છોડવાના કિસ્સા રાજકારણમાં બનતા હોય છે. 2007માં ભાજપ છોડીને કોંગ્રેસમાં આવેલા ધીરુ ગજેરાએ ગુરુવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાની જાહેરાત કરી હતી. ગજેરાએ કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તે વખતના કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીને કારણે ગુજરાતમાં કોંગ્રેસ ગાદી મેળવી શકી નહોતી. ભરતસિંહ સોલંકી સામે પુરાવાઓ સાથે હાઇકમાન્ડને રજૂઆત કરવા છતાં મારું કોઇ સાંભળતું નથી એટલે છેલ્લા 6 મહિનાથી  કોંગ્રેસમાં નિષ્ક્રિય હતો. કોંગ્રેસમાં કોઇ ભવિષ્ય નહીં દેખાતા રાજીનામું આપી દીધું હોવાનું ધીરુ ગજેરાએ કહ્યું હતું.

ભાજપમાં જોડાવાના છો? તેવા સવાલનો ધીરુ ગજેરાએ સીધો જવાબ આપ્યો નહોતો, પણ આડકતરો ઇશારો આપતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકારથી પ્રજા ખુશ છે. પ્રજા જેનાથી ખુશ હોય ત્યાં જવાની શકયતા ખરી એવું ગજેરાએ ઉમેર્યું હતું.