મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ ઓલપાડના કુડસદ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી 100 વિઘા જમીનના માલિક એવા ગર્ભશ્રીમંત ખેડૂતની હત્યા કરાયેલી લાશ મળી હતી. પ્રાથમિક દૃષ્ટિએ લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે. આમ છતાં સુરત ગ્રામ્ય પોલીસની ટીમે હત્યારાને પકડી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે. હત્યારા પકડાયા બાદ હત્યાનું કારણ સ્પષ્ટ થશે.
ઓલપાડના કુડસદ ગામમાં એક ગર્ભશ્રીમંત ખેડૂતની હત્યા કરી લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.  ખેડૂતની લાશ એક ખેતરમાંથી મળી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક 100 વિઘા જમીનનો માલિક હતો અને મોટાભાઈ પરિવાર સાથે અમેરિકામાં રહે છે.

ઓલપાડના કુડસદ ગામમાં વિપુલ મહેન્દ્રભાઈ પટેલ પરિવાર સાથે રહેતા હતા. જે 100 વિઘા જમીનના માલિક હતા. પરિવારમાં એક દિકરો અને એક દીકરી છે. ખેતર પર ગયેલા પિતા મોડી રાત્રિ સુધી ઘરે ન પહોંચતા પુત્ર પિતાને શોધવા નીકળ્યો હતો. દરમિયાન ખેતરની નજીકમાં વિપુલભાઈની મોપેડ (GJ-05-MN-0248) મળી આવી હતી અને નજીકમાં જ શેરડીના ખેતરમાં વિપુલભાઈ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. તેના શરીર પરથી હાથનું સોનાનું બ્રેસલેટ, 5 વીંટી, ગળામાંથી રુદ્રાક્ષની માળા ગાયબ હતી. જેના કારણે લૂંટના ઇરાદે હત્યા કરાયાના પ્રાથમિક તારણ પર પોલીસ આવી છે.
પિતાને મૃત હાલતમાં જોઈ પુત્રએ પોલીસને જાણ કરી હતી. કીમ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા લૂંટારૂઓએ લૂંટ માટે હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસ લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.   

પોલીસે વિપુલભાઈના મૃતદેહને નજીકમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી છે. વિપુલભાઈને પેટ, માથા, પીઠ અને ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. જ્યારે પેટ પર 9 જેટલા ઘા મળી આવ્યા હતા.