મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ, વાઘે માર્યું બકરું એમાં શો ઇન્સાફ. બસ આવું જ કાઈંક બન્યું છે સુરતમાં. ગટરનું કામ કરતી વખતે ગેસ ગૂંગળામણમાં મોતને ભેટેલા ગરીબ પરિવારના પિતા-પુત્રનાં મોતની કિંમત કોન્ટ્રાક્ટરે આંકી છે માત્ર રૂ. 3 લાખ! બન્નેના રૂ. 6 લાખ આપી મામલો રફેદફે કરવા પ્રયાસ કરાયો છે ત્યારે આ મામલે કાયદેસરની કાર્યવાહી થાય તે જરૂરી છે.

પીપલોદ ખાતે ગટરના કામકાજ દરમિયાન ત્રણ લોકોના મોત થયાં હતાં. જેમાંથી બે શ્રમિકોના મૃતદેહ સ્વિકારવાને લઈને સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ બહાર હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. આખરે આદિવાસી નેતા અને કોન્ટ્રાક્ટર વચ્ચે મધ્યસ્થી થતાં મૃતકના પરિવારને 3 લાખ લેખે પિતા પુત્રના મોત બદલ છ લાખ રૂપિયા પરિવારને આપવામાં આવતાં મામલો થાળે પડ્યો હતો.

ઓક્સિજન માસ્ક વગર ગટરમાં પડેલા પુત્ર બાદ પિતા અને કોન્ટ્રાક્ટર એમ ત્રણના બુધવારના રોજ મોત થયાં હતાં. સમગ્ર મામલે ભારે બેદરકારી દાખવવામાં આવતાં મોત થયાનું સામે આવી રહ્યું છે. ત્યારે મોતને ભેટેલા સુનિલ ડાંગી (પુત્ર) અને રાજુ ડાંગી (પિતા)ના મૃતદેહ સ્વિકારવા પરિવારે આનાકાની કરી હતી. જેથી સિવિલ હોસ્પિટલમાં ભારે ડ્રામ સર્જાયો હતો. અને આદિવાસી નેતા કનુ ડામોરે મધ્યસ્થી કરતાં સિવિલ હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં ભરત અને રાકેશ નામના બે કોન્ટ્રાક્ટરના માણસોએ બન્નેના મૃતદેહોના 3-3 લાખ પેટે કુલ છ લાખ રૂપિયાની ચુકવણી કરી હતી.

ગટરમાં ગેસના ગુંગળામણથી 3 વ્યક્તિના મોત થયાં હતાં.જેમાં રાજ્યસરકારે પણ તપાસના આદેશ આપ્યા હતાં. અને ઘોરબેદરકારી દાખવવામાં આવી હોવાનું સામે આવી રહ્યુંહતું. ત્યારે માણસની કિંમત કેટલી માત્ર ત્રણ લાખ જ એવા સવાલો સામે આવી રહ્યાં છે. કસૂરવારોને સજા થવી જોઈએ તેના બદલે પરિવારને 3 લાખ રૂપિયા આપી દેવાયા આ સમગ્ર મુદ્દે લોકો સવાલો કરી રહ્યાં છે.