મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ એક ખાનગી શાળાની મહિલા કેશીયરે રૂ.30,55,840ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ઉધના પોલીસ મથકમાં નોંધાઈ હતી. 482 વિદ્યાર્થીઓની ફી ચાંઉ કરી જનારી આ મહિલા કેશીયરની પોલીસે ધરપકડ કરી છે. પાંચ મહિનામાં ટુકડે ટુકડે આટલી રકમ હજમ કરનારી મહિલાનો ભાંડો ફૂટી જતાં આખરે જેલહવાલે થવાનો વખત આવ્યો છે.

દક્ષેશ્વર મંદિર પાસે સનરેઝ સ્કૂલ, લીઓ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ અને લીઓ ઇન્સ્ટીટ્યૂટ ઓફ એજ્યુકેશનના સંચાલક જયસુખભાઈ પરસોત્તમભાઈ કથીરિયાએ ઉધના પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમને ત્યાં કેશીયર તરીકે કામ કરતી યુવતી દીપાંજલિ ધનુર્ધર પોલીઈ (રહે: ક્રિષ્ણા એપાર્ટમેન્ટ, ગાયત્રી સોસાયટી-1, ઉધના)એ ફેબ્રુઆરીથી જુલાઈ સુધીના પાંચ મહિનાના સમયગાળામાં તેમની સ્કૂલમાં ફીની રકમ જમા કરાવવાના બદલે રૂ.30,55,840 પોતાના ઘરે લઈ જઈ છેતરપિંડી કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ દીપાંજલિએ ફેબ્રુઆરી મહિનાથી આ રીતે છેતરપિંડી કરવાનું શરૂ કર્યું હતું, પણ સૌથી વધુ રકમ માર્ચથી મે સુધીના ત્રણ મહિનામાં હાથવગી કરી છે. કારણ કે આ સમયગાળામાં પ્રવેશની પ્રક્રિયા ચાલુ હોય છે. 

મોસાળે જમણ અને માં પીરસનારા જેવો ઘાટ થયો હતો કેમ કે દીપાંજલિના આઈડીથી જ કમ્પ્યૂટર ઓપરેટ થતું હતું. તે જ દરરોજનો હિસાબ સંચાલકોને આપતી હતી. જેના કારણે શંકા જવાનો સવાલ ઊભો થયો નહીં. પરિણામે તેણે ફીની રકમ ચાંઉ કરવા માટે મોકળું મેદાન મળી ગયું હતું.

પછી બન્યું એવું કે વિદ્યાર્થીઓની સંખ્યાની સામે ફીની રકમની સરખામણી કરી તો 482 વિદ્યાર્થીની ફીની રૂ. 33,55,840 જેટલી માતબર રકમ ઓછી હતી. જેથી તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે દીપાંજલિએ જ આ રકમ હજમ કરી છે. આખરે મામલો પોલીસ સુધી પહોંચ્યો. પોલીસે ગુનો નોંધી દીપાંજલિની ધરપકડ કરી છે.

અન્ય યુવતીના આઈડીમાંથી પણ રકમ ચાંઉ કરી

પોતે આ રીતે લાખો રૂપિયા હાથવગા કરી લીધા પછી દીપાંજલિ નોકરી છોડવાની વાત કરતી હતી. જેના કારણે અન્ય એક યુવતીને કેશીયર તરીકે ટ્રેઇન કરવા દીપાંજલિ સાથે મૂકી હતી. તે યુવતીનું આઈડી બનાવાયું હતું. તે આઇડીમાંથી પણ દીપાંજલિએ રકમ ચાંઉ કરી હતી.

કમ્પ્યૂટરમાં ડુપ્લિકેટ રસિદ બનાવી વાલીઓને આપતી હતી

પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે દીપાંજલિ કમ્પ્યૂટરમાં ડુપ્લિકેટ રસિદ બનાવી વાલીઓને આપી દેતી હતી. જેવા વાલી સ્કૂલેથી રવાના થાય કે તુરંત જ કમ્પ્યૂટરમાંથી તે માહિતી ડિલીટ કરી, રકમ પોતાની પાસે રાખી લેતી હતી. ખાસ કરીને ધો. 11 અને 12 સાયન્સના વધુમાં વધુ વિદ્યાર્થીઓની ફીની રકમ દીપાંજલિએ હાથવગી કરી છે.