મેરાન્યૂઝ નેટવર્ક,ગોંડલ: પોસ્ટ વિભાગ દ્વારા ગોંડલની ભુવનેશ્વરી પીઠમાં આવેલી ચાલીસ વર્ષ જૂની પોસ્ટ ઓફિસને બંધ કરવાના નિર્ણય સામે પ્રજામાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે તો પોસ્ટ વિભાગ પણ આંધળે બહેરું કૂટવા જેવું કામ કરી રહી છે કારણકે આ પોસ્ટ ઓફીસ નફો રળી આપતી હોવા છતાં બંધ કરવાનો નિર્ણય નાગરિકોને આંચકા સમાન બની રહ્યો છે.

ગોંડલના મહાદેવવાડી વિસ્તારમાં આવેલ ભુવનેશ્વરી માતાજી પીઠ સંકુલમાં સ્થિત સબ પોસ્ટ ઓફીસ છેલ્લા ૪૦ વર્ષથી કાર્યરત છે જે જૂની પોસ્ટ ઓફિસને પોસ્ટ તંત્ર દ્વારા નીતિ વિષયક ધારા-ધોરણોનો હવાલો આપીને અન્ય સ્થળે સ્થળાંતર કરવા અથવા મર્જ કરવાની હિલચાલ કરાતા સ્થાનીકોમાં  વિરોધનો વંટોળ સર્જાયો છે. ભુવનેશ્વરી પીઠની સબ પોસ્ટ ઓફીસમાં હજારો બચત ખાતા છે તેમજ લાખો રૂપિયાની આવક રળી આપતી આ પોસ્ટ ઓફીસ બંધ કરી દેવાની હિલચાલને પગલે ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. માત્ર એક રૂપિયાના નજીવા ટોકન રેટથી તેમજ કોઈપણ જાતના નિભાવ ખર્ચ વગર ચાલતી જૂની પોસ્ટ ઓફીસ તેના નિયત સ્ટાફના વર્કલોડથી પણ વધારે કલાકોની હોવા છતાં તેમજ કોઈપણ જાતની ચકાસણી તેમજ ઓફિસની આવકના આંકડા ધ્યાનમાં લીધા વિના જ બંધ કરવાના નિર્ણય સામે ગોંડલ ચેમ્બર ઓફ કોમર્સે પણ આ મામલે રજૂઆત કરી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી તો આ મામલે આ પોસ્ટ ઓફીસના જ નિવૃત્ત કર્મચારી નામ ન આપવાની શરતે જણાવે છે કે એક કિમી રેન્જમાં આવતી સબ પોસ્ટ ઓફીસને મર્જ કરવાની સૂચના છે. જોકે, એ સૂચના વર્કલોડ ના રહેતો હોય અથવા તો આવક ના થતી હોય તેવી પોસ્ટ ઓફીસ માટે લાગુ પડે છે. પરંતુ આ પોસ્ટ ઓફિસમાં તો વર્કલોડ પણ રહે છે તો વાર્ષિક આવક પણ લાખોમાં થાય છે ત્યારે તેને મર્જ કરવા કે સ્થળાંતર શા માટે કરવી જોઈએ તેવો ગ્રાહકોમાં રોષ વ્યાપી ગયો છે. આ પોસ્ટ ઓફીસ હજારો નાના બચત ખાતાધારકો માટે આશીર્વાદ સમાન છે અને તેના સ્થળાંતર કે મર્જ કરવાની પ્રક્રિયા સામે વિરોધ જોવા મળી રહ્યો છે.