મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ આવકવેરા વિભાગ દ્વારા બેનામી સંપત્તિની માહિતી આપનાર માટે જાહેર કરાયેલી રૂપિયા પાંચ કરોડ સુધીના ઇનામ આપવાની યોજના હવે આફત બની છે. આ ઇનામી યોજના જ હવે આઇટી વિભાગ માટે પડકારરૂપ બની છે. કેમ  કે, ઇનામના ચક્કરમાં લોકો કરચોરો અંગે એટલી બધી માહિતી મોકલી રહ્યા છે કે, તેની તપાસ માટે આઇટી વિભાગમાં સ્ટાફ ખૂટી પડ્યો છે. ત્રણ હજાર ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર સહિત ૩૦ હજાર જેટલી જગ્યાઓ છેલ્લા બે વર્ષથી ખાલી છે ત્યારે આઇટી વિભાગમાં કરચોરોની માહિતી આપવા માટે દરરોજ સેંકડો કોલ્સની સાથે ઇ-મેલ અને પત્રોનો ઢગલો થઇ રહ્યો છે.

કેન્દ્ર તેમજ તમામ રાજ્ય સરકારોને ભ્રષ્ટાચાર પર નિયંત્રણ લાવવા માટે છાશવારે આકર્ષણ પેદા કરતી જાહેરાતો કરી પોતે પારદર્શક વહીવટ આપતા હોવા સાથે મી.કલીનની છાપ ઊભી કરવી છે, પરંતુ કોઈ મોટું કૌભાંડ કે ભ્રષ્ટાચાર પકડાય ત્યારે બીજા ઉપર દોષારોપણ કરતી સરકારો દ્વારા જે તે સમયે કરાયેલી જાહેરાતો પછી તેનો અમલ કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવે છે. આ ઉપરાંત ભારે નિષ્ક્રિયતા દાખવવામાં આવતા જાહેર કરાયેલી યોજના પ્રજામાં મજાકરૂપ બની જવા સાથે સંબંધિત વિભાગ માટે પડકારરૂપ જ નહીં, પરંતુ ભારે મુશ્કેલી સર્જનારી બની રહે છે. કંઈક આવી જ સ્થિતિ અત્યારે આવકવેરા વિભાગ માટે સર્જાતા આઇટી ખાતાએ બેનામી સંપત્તિની માહિતી આપનાર માટે જાહેર કરેલી ઇનામની યોજના હવે આફત બની છે.

આઇટી ખાતાએ એક જાહેરાત દ્વારા બેનામી સંપત્તિ ધરાવનારાની માહિતી આપનારને રૂપિયા પાંચ કરોડ સુધીનું ઈનામ આપવાનું પ્રલોભન અપાયું હતું. આ ઇનામી યોજના હવે આઇટી વિભાગ માટે પડકારરૂપ એટલા માટે બની છે કે, ઇનામના ચક્કરમાં લોકો કરચોરો અંગે એટલી બધી માહિતી મોકલી રહ્યા છે કે, તેની તપાસ માટે આઇટી વિભાગમાં સ્ટાફ ખૂટી પડ્યો છે. આ જાહેરાતમાં બેનામી સંપત્તિ અંગે ફોન, ઇ-મેલ કે કુરિયરથી વિગતો આપવાનું જણાવી માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવાનું જણાવ્યું હતું.તેના પરિણામે આઇટી વિભાગમાં કરચોરોની માહિતી આપવા માટે દરરોજ ફોનની ઘંટડીઓ રણકતી જ રહે છે..! તો આ સેંકડો કોલ્સની સાથે આઈટી કમિશનરની ઓફિસમાં ઇ-મેલ અને પત્રોનો ઢગલો થઇ ગયો છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે કેટલાક ઇનામવાંચ્છુઓ તો ૧૦-૨૦થી લઇ ૨૦૦-૫૦૦ પેજના કુરિયર પણ મોકલોઈ રહ્યા છે.

જેમાં ઘણા ટૂંકા સમયગાળામાં આઈટી વિભાગને અત્યાર સુધીમાં ૭૦૦ કરતા વધારે બેનામી સંપત્તિ અંગે માહિતી મળી હોવાનું કહેવાય છે. આ પડકારજનક પરીસ્થિતિમાં આઇટી વિભાગ જ અત્યારે ઘેરાયેલું જણાય છે. જેમાં તેમના અધિકારીઓને પણ આ વ્યાપક રજુઆતો સામે શું કરવું એ જ સમજાતું નથી. આથી આઈટી વિભાગ દ્વારા કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)માં રજૂઆત કરવામાં આવી છે કે, આ બેનામી સંપત્તિની વિગતો અંગે કોઇ અન્ય એજન્સીને તપાસ સોંપવી જોઈએ. જ્યારે આઇટી વિભાગમાં વર્ષોથી ખાલી રહેલી જગ્યાઓ માટે વારંવાર કરવામાં આવેલી રજૂઆતોને ફરી દોહરાવતા આઈટી વિભાગમાં નવી ભરતી કરવા માંગણી કરવામાં આવી છે.

ઇન્કમટેક્સ વિભાગમાં અત્યારે ૪૫ હજાર જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. પરંતુ ત્રણ હજાર ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર સહિત ૩૦ હજાર જેટલી જગ્યાઓ છેલ્લા બે વર્ષથી ખાલી છે. જેમાં નોટબંધી વખતે પણ કરચોરોને પકડવા માટે આઇટી વિભાગ દ્વારા સરકારને ભરતી કરવા માટે કરાયેલી રજૂઆતમાં હજુસુધી કોઈ જ ધ્યાન અપાયું નથી. આવી પરિસ્થિતિમાં બેનામી સંપત્તિ અંગેની માહિતીની ક્યારે તપાસ થશે અને સાચા ગુનેગારો ક્યારે પકડાશે કે કાર્યવાહી કરાશે તેનો કોઈ જવાબ નથી... ત્યારે ઇનામની વાત તો ઘણી દૂરની વાત છે..!