મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડી લેનારા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હવે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં જાડાશે તેવી ચર્ચાઓ વચ્ચે આજે શંકરસિંહ વાઘેલાએ આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેઓ એનસીપીમાં જાડાશે નહીં. ગઈ વિધાનસભાની ચૂંટણી પહેલા જન વિકલ્પ મોરચા નામનો નવો પક્ષ બનાવનાર શંકરસિંહ વાઘેલાએ ૨૦૧૯ની ચૂંટણીને લઈ સક્રિય ભૂમિકા ભજવવાનો નિર્ણય કર્યો છે.

શંકરસિંહ વાઘેલાએ આજે ભાજપા સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪માં સરકારે જે વાયદાઓ આપ્યા હતા તે પૂર્ણ કરે. આ સાથે જ તેમણે પેટ્રોલ – ડિઝલના ભાવ અંગે પણ સરકારને આડે હાથ લેતા કહ્યું કે, દિલ્હી સરકાર માત્ર માર્કેટિંગથી ચાલે છે. ડોલરની સામે તળિયે પહોંચેલા રૂપિયા માટે પણ બાપૂએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે ગુજરાત સરકાર પણ પેટ્રોલના ભાવ ઘટાડે તેની માંગણી કરી હતી.

તેમણે બીજેપી સરકારને સવાલ પણ કર્યો હતો કે, જો બે કરોડ લોકો પકોડા તળશે તો ખાશે કોણ. આ સરકાર ગેમ ચેન્જર નહીં માત્ર નેમ ચેન્જર છે. યોજનાઓના માત્ર નામ બદલવામાં આવ્યા છે. ખેડૂત, ખેતી અને ખેતમજૂર તબાહ થઇ રહ્યા છે.

શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું કે, હું હાલ કોઈ પક્ષમાં જોડાવાનો નથી. મારૂં કાર્ય માત્ર તમામ પક્ષોને ભેગા કરીને તેમના વચ્ચેની મડાગાંઠને દૂર કરવાનો છે. આજની પરિસ્થતિને અનુલક્ષીને મોદી સરકાર સામે તમામ પક્ષોને ભેગા કરવા માટે હું સક્રિય થયો છું. છેલ્લા પાંચ મહિનામાં દિલ્હી સહિત અનેક રાજ્યોનો પ્રવાસ કર્યો છે. ભાજપના આગેવાનો સહિત અન્ય આગેવાનોની પણ મુલાકાત કરી છે. તમામનો મત થર્ડ ફ્રન્ટ તરીકે મહાગઠબંધનનો છે. આજના ઠરાવમાં મને ગઠબંધનનું નેતૃત્વ કરવા કહેવામાં આવ્યું છે. જેથી ભાજપ વિરોધી મતોના ભાગલા ન પડવા જાઈએ. ત્રીજા મોરચો નહીં પણ બીજા મોરચો બને તે જરૂરી છે. મારા પુત્ર મહેન્દ્રસિંહે પણ કહ્યું છે કે, જે કરો તે મંજૂર છે. શંકરસિંહ વાઘેલાએ રાહુલ ગાંધી અંગે કહ્યું કે, રાહુલ ગાંધી વડાપ્રધાન પદનો દાવો છોડવા તૈયાર છે અને બે દિવસમાં દિલ્હીમાં જઈને નેતાઓને મળવાનો છું. મને સત્તાનો લોભ નથી. આ સાથે જ બાપૂએ અડવાણીજીને લઇ દાવો કર્યો કે તેઓ ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લડશે.