પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): મારી ઉંમરની વ્યકિતઓ જે પચાસી વટાવી ગઈ છે, તેઓ જ્યારે નાના હતા ત્યારે મસ્તી કરતા ત્યારે દાદી કે માં કહેતી શાંત થઈ જા નહીંતર બાવો પકડી જશે, આજે આવી જ સ્થિતિ સ્કૂલ સંચાલકોને થઈ ગઈ છે. હાર્દિક અને અલ્પેશનું નામ પડતા હવે સંચાલકો સીધી લીટીમાં ચાલવા લાગે છે. ગુજરાત સરકાર બણગા મારે છે કે રાઈટ ટુ એજ્યુકેશનના કાયદાનો તમામ સ્કૂલોએ અમલ કરવો પડશે. તેવી જ રીતે સરકારે ફિ નિર્ધારણનો કાયદો તો બનાવ્યો પણ સ્કૂલો તો પોતાની નક્કી કરેલી જ ફિ વસુલ કરી રહ્યા છે. આમ સરકાર આરટીઈ અને ફિના મુદ્દે સ્કુલો સામે લાચાર ઊભી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે, હું સરકાર શબ્દનો પ્રયોગ કરૂ છું, ત્યારે ભાજપ અને કોંગ્રેસની વાત કરતો નથી પણ સરકારનો અર્થ થાય છે જેને પ્રજાતંત્રએ કાયદાની વિશાળ સત્તાઓ લોકહિત માટે આપી છે.

આપણે ત્યાં સામાન્ય સ્કુટર ચલાવતો માણસ હેલ્મેટ પહેર્યા વગર નીકળે અને તેની નજર ટ્રાફિક પોલીસ ઉપર પડે ત્યાંથી તેના હ્રદયના ધબકારા વધી જાય છે, તેનો અર્થ હેલ્મેટ વગર નીકળેલી વ્યકિતને પેલા ખાખી કપડાનો નહીં પણ ખાખી કપડાવાળા પાસે રહેલી કાયદાની તાકાતનો ડર લાગે છે. આવો ડર તમામ કાયદો તોડનાર માણસને લાગવો જોઈએ પણ તેવું થતું નથી. કાયદો સામેવાળી વ્યકિતની રાજકિય અને આર્થિક તાકાત પ્રમાણે વર્તે છે. સ્કુટર વાળો કાયદો તોડે તો સ્કુટર પાર્ક કરી પોલીસવાળાને કરગરે છે, પરંતુ  કારમાં સીટ બેલ્ટ બાંધ્યા વગર નીકળેલો કારવાળો કારમાંથી નીચે પણ ઉતરતો નથી, પોલીસવાળો તેની કાર સુધી જાય છે અને કારવાળો કોઈ ઉચ્ચ પોલીસ અધિકારીને ફોન જોડી પોલીસવાળાને પકડાવી દે છે અને પોલીસ કારવાળાને સલામ કરી તે નીકળી જાય છે. આવા પણ દ્રશ્યો સર્જાય છે.

આવુ સ્કુલના સંચાલકો પણ શિક્ષણ વિભાગ સાથે કરી રહ્યા છે, એક તરફ રાજ્ય સરકાર પ્રવેશ ઉત્સવના કાર્યક્રમો કરે છે, બીજી તરફ કાયદાની જોગવાઈને ખાનગી શાળા સંચાલકો ઘોળી પી જાય છે. એક વખત મુખ્યમંત્રીની ખુરશીમાં બેઠેલા વિજય રૂપાણીની આંખ ફરે તો સંચાલકોને ફફળી જવા જોઈએ. એક વખત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા બોલે એટલે તેનો અમલ થવો જ જોઈએ, પણ તેવું થયું નહીં, મોળું બોલતા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહની ભાષામાં ક્ષત્રિયપણા કરતા વણિકપણુ વધારે હતું. સરકારી અધિકારીઓ ઉંદર જેવા હોય છે તેમને આવનાર તોફાનની પહેલા જ ખબર પડી જતી હોય છે. ભુપેન્દ્રસિંહ જે ભાષામાં બોલી રહ્યા હતા, તેમનો સુર સાંભળી શિક્ષણ વિભાગના અધિકારીઓ સમજી ગયા કે બાપુના લોહીમાં સુગર ઓછી છે.

મંત્રી ચુડાસમા માત્ર ખોખારાં કરતા રહ્યા એટલે જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ વાલીઓને ખોની રમત રમાડતા રહ્યા, પણ આ મુ્દ્દો હાર્દિક અને અલ્પેશે પકડી લેતા સરકાર અને સ્કૂલ સંચાલકોને અચાનક 440 વોલ્ટનો ઝટકો લાગ્યો હોય તેમ નાટક કરી રહેલા સંચાલકોએ બાળકોને પ્રવેશ આપવાની શરૂઆત કરી દીધી. આ તો કેવી નિર્માલ્યતા કે સંચાલકોને વિજય રૂપાણી અથવા ભુપેન્દ્રસિંહનો ડર લાગવો જોઈએ તેના કરતા વધુ ડર તેમને હાર્દિક અને અલ્પેશનો લાગ્યો છે. હાર્દિક અને અલ્પેશે શિક્ષણાધિકારીની ઓફિસમાં હલ્લાબોલ કર્યું તે ટોકન માત્ર હતું, પણ તેની અસર સંચાલકોને થઈ હતી. વાત અહિયા કોના પ્રયાસથી પ્રવેશ મળ્યો તેની નથી, પણ કોઈ પણ રાજ્ય સરકાર માટે આ સ્થિતિ સારી નથી.

ગુજરાતમાં દારૂબંધી તો 1960થી છે, પણ દારૂબંધી કેવી છે તે આપણને બધાને જ ખબર છે, પણ અલ્પેશ ઠાકોર દારૂબંધીનું આંદોલન શરૂ કરતા સરકારે કાયદો બનાવ્યો,, આ પધ્ધતિ બરાબર નથી. કાયદાની ફૂટપટ્ટીનું માપ બધા માટે એક સરખુ જ હોવું જોઈએ, પણ તેવું થતુ નથી તેના કારણે અલ્પેશ અને હાર્દિક જેવા યુવા નેતાઓ મેદાન મારી જાય છે. સમય સાથે અલ્પેશ અને હાર્દિક જેવા નેતાઓના ચહેરાઓ બદલાતા રહે છે, પણ સરકાર જ સર્વોપરી છે તેવું તો તમામ સરકારે પ્રસ્થાપિત કરવું જ પડશે અને તે જ ‘ગુડ ગવર્નન્સ’ કહેવાશે.