મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: દેશભરમાં ગૌરક્ષાના નામે થઇ રહેલી ભીડ દ્વારા હિંસા મામલે સુપ્રીમ કોર્ટે આજે મંગળવારે મોટો નિર્ણય સંભળાવ્યો છે. આજે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ગૌરક્ષાના નામે થતી હિંસા રોકવા માટે યોગ્ય કાયદો બનાવવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આદેશ આપતા કહ્યું કે 4 સપ્તાહમાં મોબ લિંચિંગ (ટોળા દ્વારા માર મારવામાં આવવાની ઘટનાઓ) પર દિશા-નિર્દેશ જાહેર કરે. કોર્ટે કહ્યું કે ગૌરક્ષા નામે કોઈપણ શખ્સ કાયદાને હાથમાં ન લઇ શકે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ગાઇડલાઇન જારી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગૌરક્ષાના નામ પર થનારી હિંસા માટે કાયદો વ્યવસ્થાને મજબૂત કરવાની જરૂર છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશભરમાં જુદાજુદા સ્થળો પર ગૌરક્ષાના નામ પર થઇ રહેલી હિંસાને સહન નહીં કરાય. ભીડ દ્વારા થતી હિંસાને રોકવાની જવાબદારી રાજ્ય સરકાર અને રાજ્યની પોલીસની છે. આ મામલે આગામી સુનાવણી 28 ઓગસ્ટના રોજ થશે.

અત્રે ઉલ્લેખનીય છે આ મામલે ગત વખતે થયેલ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજ્ય સરકારોની જવાબદારી છે કે ભીડ દ્વારા થઇ રહેલી હિંસાને કોઈપણ કિંમત પર રોકવામાં આવે. આ માત્ર કાયદો વ્યવસ્થા સાથે જોડાયેલો મામલો નથી પરંતુ આ એક ગુનો છે. કોઈપણ શખ્સ કાયદો હાથમાં લેશે તો તેને સખત સજા કરવામાં આવશે.

આ મામલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરનાર ઇન્દિરા જયસિંહે કહ્યું હતું કે ભારતમાં ગુનેગારો માટે ગૌરક્ષા નામે હત્યા કરવાને ગર્વ તરીકે માનવામાં આવે છે. સરકાર પોતાના નાગરિકોના અધિકારોની રક્ષા કરવામાં નિષ્ફળ રહી છે અને તેમને જીવનની સુરક્ષાની ગેરંટી નથી આપી રહી. તેથી સમયની માંગ છે કે સુપ્રીમ કોર્ટ સરકારને સ્પષ્ત માર્ગદર્શિકા જાહેર કરવા હુકમ કરે.