મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગુજરાતમાં સિંહો તથા અન્ય વન્ય જીવોના સંરક્ષણ સંવર્ધન અને રોગચાળામાં સઘન સારવાર માટે ગીરમાં અદ્યતન સ્ટેટ ઓફ ધી આર્ટ હોસ્પિટલ નિર્માણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરતા કહ્યું કે, ગુજરાતની વૈશ્વિક ઓળખ એશિયાટીક લાયન માટે ગીર વિસ્તારના ૮ રેસ્કયૂ સેન્ટરને પણ અદ્યતન બનાવવા સાથે ૩ર રેપિડ રિસ્પોન્સ ટીમ અને ૧૦૮ એમ્બ્યૂલન્સ સેવાઓ જેવી નવી લાયન એમ્બ્યૂલન્સ સેવા શરૂ કરાશે. આ સમગ્ર કામગીરી માટે રાજ્ય સરકાર રૂપિયા ૮પ કરોડનો ખર્ચ કરશે.

ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની ૧૪મી બેઠક મળી હતી. તેમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગીરના જંગલોમાં ડ્રોન સર્વેલન્સ તેમજ સી.સી.ટી.વી. નેટવર્ક દ્વારા સિંહ સહિતના વન્યપશુઓની રાત્રી મૂવમેન્ટ, ગતિવિધિઓ પર સતત નજર રાખવા માટે પણ સઘન આયોજન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે ગીરમાં પણ કોરબેટ નેશનલ પાર્કની પેટ્રન પર E-Eye પ્રોજેકટ અંતર્ગત રાત્રીના સમયે પણ રાની પ્રાણી-પશુઓની ગતિવિધિ પર નજર રાખવા હેતુ સેન્સીટીવ કેમેરા ગોઠવવા વન વિભાગને સૂચનાઓ આપી હતી.

ગુજરાતમાં સિંહોના લાંબાગાળાના સંરક્ષણ આયોજન માટે રૂપિયા ૩૫૧ કરોડની યોજનામાં નવિન ટેકનોલોજી સાથેના પાંજરા, ડ્રોન, સી.સી.ટી.વી સર્વેલન્સ, આરોગ્ય વિષયક આંતરમાળખાકીય સુવિધાઓ અને અન્ય સાધન-સામગ્રી વગેરે માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. જયારે વન્ય પ્રાણીઓમાં દેખાયેલા રોગચાળા સંદર્ભમાં તકેદારીના પગલાં અને તત્કાલ સારવાર માટે આગામી સમયમાં સમયાંતરે એનિમલ હેલ્થ સર્વેલન્સ તેમજ લાયન એમ્બ્યૂલન્સ અને ર૪ કલાક હેલ્પલાઇનનું આયોજન કરવામાં આવશે. તો દરિયાઇ જીવ મરિન સૃષ્ટિના સંવર્ધન અને રક્ષણ માટે પણ વાઇલ્ડ લાઇફ બોર્ડનો વ્યાપ વધારવામાં આવશે.  

વિજય રૂપાણીએ ગીરના જંગલોમાં ગેરકાયદે લાયન શોની બદીને કડક હાથે ડામી દેવા વન વિભાગ અને જિલ્લા પોલીસને સંયુકતપણે સર્તક રહેવા તથા આવું કૃત્ય કરનારાઓ સામે પાસા સુધીના કડક પગલાં લેવા તાકીદ કરી હતી. જયારે વન્યપ્રાણી, પશુઓની સારવાર અને સુશ્રુષા માટે વેટરનરી કેડર વધુ સક્ષમતાથી સજ્જ કરવા સાથે સિંહની મૂવમેન્ટથી જાણકાર સ્થાનિક યુવા ટ્રેકર અને વન્યપ્રાણી મિત્રોના મહેનતાણામાં વધારો કરવા તેમણે જણાવ્યું છે.