પ્રશાંત દયાળ (ભાગ-25): રથયાત્રા ઉપર હુમલો થતાં ફરી એક વખત શહેર ભડકે સળગવા લાગ્યું જ્યાં જેમની બહુમતી હતી ત્યાં લધુમતી માર ખાતી હતી. મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં હિન્દુઓની કત્લેઆમ થતી હતી અને હિન્દુઓની બહુમતી હોય ત્યાં મુસ્લિમો માર્યા જતા હતાં. પોલીસ આખો દિવસ પાગલની જેમ અહિંયાથી ત્યાં દોડ્યા કરતી હતી. પોલીસનું પ્રાથમિક કામ હતું તોફાન ડામવાનું છતાં તોફાન કાબુમાં આવતા ન્હોતા. પોલીસ તોફાની વિસ્તારમાં ઘુસી તોફાનીઓને પકડી લાવતી હતી પણ આરોપીઓ હજી પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલા ગાંધીનગરથી ફોનની ઘંટડીઓ રણકવા લાગતી હતી. આરોપીઓને છોડી દેવા પડતા હતાં. પોલીસ અધિકારીઓનાં મનમાં ઘણી અસ્પષ્ટતા હતી. આઈપીએસ અધિકારીઓની પોસ્ટીંગ ફાઈલ મુખ્યમંત્રી સુધી જતી હોવાને કારણે આઈપીએસ અધિકારીઓ મુખ્યમંત્રીની નારાજગી વહોરી બદલી કરાવવા માગતા ન્હોતા. પણ હવે મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલને લાગ્યું કે પાણી માથાની ઉપરથી વહેવવા લાગ્યું છે. 

લતીફની ગેંગના માણસોએ આતંક વરસાવી દીધો હતો. ફરી જુના તોફાનની ફોર્મ્યુલા ચાલુ થઈ હતી. સ્ટેબિંગનો દોર શરૂ થઈ ગયો હતો. કરફ્યુ મુક્તિ મળે તેની સાથે વી.એસ. હોસ્પિટલમાં સો-દોઢ સો લોકો સ્ટેબિંગનો ભોગ બની આવી જતાં વી. એસ. હોસ્પિટલના ડોક્ટર્સ પણ ઓછા પડે તેવી સ્થિતિ નિર્માણ થતી હતી. છુરાબાજીનો ભોગ બનનાર હિન્દુઓ હતાં અને પોલીસ ગોળીબારમાં ઘવાયેલા મુસ્લિમો હતા. બંન્ને કોમો પોતાનો હિસાબ સરભર કરવા માગતી હતી. અખબારમાં દસ હિન્દુ અને આઠ મુસ્લિમોના મરણના સમાચાર છપાય તો બીજા દિવસે બે મોત સરભર કરી લેવામાં આવતા હતા. જાણે માણસના મોતનો દાખલો બંન્ને કોમ માંડી રહી હતી. એક દિવસ ડીસીપી એ. કે. સુરોલીયાને સંદેશો મળ્યો કે તાત્કાલીક  નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીનના કાર્યાલય પહોંચો. સ્વભાવે અક્કડ મીજાજી એ. કે. સુરોલીયાના સ્વભાવમાં નેતાઓની કદમપોશી ન્હોતી, તેના કારણે તેઓ કદાચ ત્યારે તેમને નરહરિને અમીનને મળવાની સુચના આવી ત્યારે પસંદ પડ્યું નહીં હોય છતાં નરહરિ અમીન ડેપ્યુટી સીએમ હતા અને પ્રોટોકોલ પ્રમાણે પણ તેમના આદેશ અનુસાર તેમને  મળવા જવુ જ પડે તેમ હતું. સુરોલીયા આદેશ અનુસાર તે દિવસે નરહરિને અમીનને મળવા પહોંચ્યા. નરહરિના ચહેરા ઉપર ચિંતા અને નારાજગી હતી. કારણ કે પહેલી વખત રથયાત્રાને તોફાનીઓ ખેંચી ગયા હતાં અને રાજ્ય યાત્રાને રક્ષણ આપવામાં નિષ્ફળ ગયુ હતું. નરહરિ સરકારમાં ચિમનભાઈ પછી સર્વેસર્વા હતાં. તેના કારણે જે કંઈ થયું અને જે કંઈ ચાલી રહ્યું હતું તેની સીધી જવાબદારી નરહરિ અમીનની હતી. 


 

 

 

 

1974માં  નવનિર્માણ આંદોલન થયુ હતું. અમદાવાદની એલ.ડી. એન્જનિયરીંગ કોલજની હોસ્ટેલના ફૂડમાં પાંચ રૂપિયાનો માસિક વધારો થયો હતો અને વિદ્યાર્થી આંદોલનની શરૂઆત થઈ હતી. તે આંદોલન બહુ જલદી રાજ્યવ્યાપી બની ગયું. ત્યારે નરહરિ અમીન વિદ્યાર્થી નેતા હતાં અને સભા-સરઘસોમાં ચિમનભાઈ પટેલના ભ્રષ્ટાચાર ખુલ્લા પાડતા હતા. ચિમનભાઈ પટેલની પ્રતિકાત્મક નનામી લઈ વિદ્યાર્થીઓ નિકળતા તેની આગેવાની પણ નરહરિ લેતા હતાં. આ આંદોલનને કારણે ચિમનભાઈ પટેલની સરકારનું પતન થયું પણ ચિમનભાઈ કાબા રાજકારણી હતાં. કદાચ ત્યારે તેમને નરહરિની તાકાતનો અંદાજ આવી ગયો હતો. પણ કહેવાય છે ને કે રાજકારણમાં કોઈ મિત્ર અને કાયમી દુશ્મન હોતા નથી. સમય બદલાયો હતો. વિદ્યાર્થી જીવનમાંથી રાજકારણમાં પ્રવેશેલા નરહરિ ચિમનભાઈ પટેલના જનતા દલ ગુજરાતમાં સામેલ થયા હતા અને ચિમનભાઈના ખાસ અને ટ્રબલ શુટર બન્યાં હતાં. 

અમદાવાદની સામાજીક પરિસ્થિતિ પણ બદલાઈ હતી. 1985માં થયેલા તોફાનો પછી ઘણી હિન્દુ પોળો ખાલી થઈ હતી. જો કે મુસ્લિમોના મકાન પણ ખાલી હતાં પણ તે મુસ્લિમો જ ખરીદતા હતાં પણ હિન્દુઓના જે મકાનો ખાલી પડ્યા હતાં તેમાં એક મુસ્લિમ મકાન ખરીદે તેની સાથે મુસ્લિમ તો ક્રુર અને માંસાહારી છે તેવી ઘર કરી ગયેલી માન્યતાને કારણે પડોશમાં મુસ્લિમ રહેવા આવે તો કોઈપણ કારણ વગર હિન્દુઓ પોતાના મકાનો વેચવા લાગ્યા હતાં. તેના કારણે ક્રમશ: કેટલીક હિન્દુ પોળો હવે મુસ્લિમોની થઈ ગઈ હતી. કેટલીક પોળો તો એવી હતી કે જેમાં દેરાસર અને મંદિરો હતાં પણ તે પોળમાં તેમના કોઈ પણ ભક્ત રહ્યાં ન્હોતાં. ચારે તરફ મુસ્લિમો રહેવા આવી ગયા હતાં. જો કે હિન્દુઓ આ તમામ ઘટનાઓ માટે ચિમનભાઈ પટેલ અને કોંગ્રેસને જવાબદાર માની રહ્યા હતાં. તેમાં પણ ફરી તોફાન થતાં હિન્દુઓ ખુબ નારાજ હતાં. હજી લતીફ ગેંગનો ખોફ યથાવત હતો. ભાડુતી ગુંડાઓને લાવીને પણ ભારત બહાર બેઠેલો લતીફ અમદાવાદના તોફાનનો દોરી સંચાર ચલાવી રહ્યો હતો. 


 

 

 

 

ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવનાર એ. કે. સુરોલીયા નરહરિ અમીનની ચેમ્બરમાં પહોંચ્યા. પહેલા શહેરની સ્થિતિની પ્રાથમિક ચર્ચા કર્યા પછી નરહરિએ પુછયું સુરોલીયા તોફાન કેમ બંધ થતાં નથી?  નરહરિના અવાજ સત્તાવાહી હતો. સામાન્ય રીતે તેઓ પોલીસ અધિકારીઓને તેમની અટકના નામે જ બોલાવતા હતાં. તેમણે ક્યારેય કોઈ પોલીસ અધિકારીને સાહેબ તરીકે સંબોધન કર્યું ન્હોતુ. તેમને ખબર હતી કે તેઓ સરકાર છે અને સરકારી અમલદારો સરકારી નોકર છે એટલે સરકાર ક્યારેય નોકરોને સાહેબ કહેતી નથી. સુરોલીયા પોતાના સ્વભાવ પ્રમાણે થોડો વિચાર કર્યો. બહુ ઓછું બોલતા સુરોલીયાએ નરહરિ અમીન સામે જોતા કહ્યુ, સર તોફાન 48 કલાકમાં બંધ કરાવી દઉ પણ મને સીએમ ઓફિસથી કોઈ ફોન ના આવે તો... નરહરિ પણ ચિમનભાઈ પટેલનાં શીષ્ય હતાં, તેમને સામેવાળી  વ્યક્તિની તાકાતનો  અંદાજ આવી જતો હતો. સુરોલીયા કઈ બાબત ઉપર ઈશારો કરવા માગે છે અને પોલીસમાં રાજકિય હસ્તક્ષેપ થઈ રહ્યો છે તે વાત નરહરિ સમજી ગયા હતાં. આમ તો ચિમનભાઈના સારા નરસા કામ નરહિરના ભાગે જ આવતા હતાં. 

સુરોલીયા એક પ્રમાણિક અધિકારી હોવાની સાથે આઈપીએસ પણ હતાં. તેમની વાત ટાળી શકાય તેમ ન્હોતી. તોફાન બંધ થવા જોઈએ તેવી જો રાજ્યની ઈચ્છા હોય તો સુરોલીયાની શરત માન્યા વગર  કોઈ વિકલ્પ ન્હોતો. નરહરિએ એક ક્ષણ વિચાર કર્યો અને ઈન્ટરકોમ ફોન ઉપાડી ચિમનભાઈ પટેલને ફોન જોડ્યો અને સીધી વાત ઉપર આવતા કહ્યુ સાહેબ મારી સામે સુરોલીયા ઊભા છે, તેઓ કહે છે 48 કલાકમાં તોફાન બંધ કરાવી દઉ પણ શરત એટલી છે કે તેમને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી કોઈ ફોન આવવો જોઈએ નહીં. ચિમનભાઈને સત્તાની કિમંત ખબર હતી. 1974ના આંદોલનને કારણે સત્તા ગઈ અને તેને પાછી લેતા પુરા 18 વર્ષ જતાં રહ્યાં હતાં. હવે તેઓ કોઈ ચાન્સ લેવા માગતા ન્હોતાં. તેની સાથે ચિમનભાઈ પટેલની એક ખાસીયત હતી. તેમને પસંદ નહીં પડતા અને તેમને અનુરૂપ નહીં આવતા આઈપીએસ અધિકારીઓને પણ તેઓ પોસ્ટિંગમાં અન્યાય કરતાં ન્હોતા. ચિમનભાઇને ખબર હતી કે આ અધિકારીઓ રાજ્યની કાયદો અને વ્યવસ્થા માટે કેટલા મહત્વના છે. 

ચિમનભાઈ પટેલે નરહરિની વાત પુરી થતાં જ કહ્યું નરહરિ સુરોલીયાને કહી દે 48 કલાક નહીં 72 કલાક મારો કોઈ ફોન રાજ્યના કોઈ પણ અધિકારીને આવશે નહીં પણ મારે તોફાન બંધ થવા જોઈએ. જ્યારે નરહરિએ સુરોલીયાને મુખ્યમંત્રીનો જવાબ સંભળાવ્યો તેની સાથે સુરોલીયા સલામ કરી ચેમ્બરની બહાર નિકળ્યા.  પોતાની ઓફિસે પહોંચતા પહેલા તેમણે વાયરસેલ ઉપર પોતાની ટીમને પોતાની ઓફિસમાં હાજર રહેવાની સુચના આપી હતી. હવે પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.