મેરાન્યૂઝ નેટવર્ક. અમરેલી : રાજુલાના નિંગાળા-1 નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સગાઈ કરીને પરત ફરતા પરિવારનો ટ્રક પુલ પરથી નીચે ખાબકતા મોત નિપજ્યું હતું. તેમજ 25થી વધુ લોકો ટ્રક નીચે દબાઈ જતા 7 કરતા વધુ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે 10 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પોલીસ કાફલા સહિત સ્થાનિકોની મદદથી બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. મોડીરાત્રે બનેલી આ ઘટનાને પગલે મોતની કિલકારીઓ ગુંજી ઉઠી હતી. આ ગોઝારા અકસ્માતમાં મોતને ભેટનારા તમામ મોટા જાદરા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલાનાં નિંગાળા ગામનાં પાટિયા પાસે એક નાનકડા પુલ પરથી ટ્રક સીધો જ નીચે ખાબક્યો હતો. આ બનાવમાં 7 થી વધુ  લોકોનાં મોત નિપજ્યા છે જ્યારે 25 થી વધુ લોકોને ઇજા પહોંચી છે. મહુવા તાલુકાના જાગરા ગામનો પરિવાર ઉના તાલુકાનાં ગોખરા ગામેથી સગાઇ પ્રસંગમાં હાજરી આપીને પરત ફરતો હતો ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. બનાવને પગલે તેમજ નેશનલ હાઇવેનું કામ ચાલુ હોઇ બે કિમીનો ટ્રાફિકજામ સર્જાયો હતો.

બનાવ અંગે નિંગાળાનાં સરપંચ હરસુરભાઇ લાખણોત્રાએ 108 તેમજ પોલીસને જાણ કરતાં રાજુલાની ખાનગી ફેક્ટરીઓની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને ઘાયલો તેમજ મૃતકોને હોસ્પિટલે ખસેડ્યા હતા. નાળામાં ઉંધા પડી ગયેલા ટ્રકને ક્રેન વડે બહાર કાઢી ઘાયલો અને મૃતકોને બહાર કઢાયા હતા. બનાવને પગલે ટ્રકનો ડ્રાઇવર અકસ્માતના સ્થળેથી નાસી છૂટ્યો હતો. ધારાસભ્ય અંબરીશ ડેર અને પીપાવાવ મરીન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. ઘાયલો અને ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરીમાં જોડાયા હતા.