મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: રંગીલું રાજકોટ ક્રાઇમ નગરી બની ચૂક્યું છે અને અવારનવાર ચોરી, લૂંટફાટ સહિત હત્યાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેર અને જિલ્લામાં એક જ રાતમાં જુદા-જુદા બે બનાવોમાં બે યુવાનોની કરપીણ હત્યા થયાનું સામે આવ્યું છે. આ પૈકી એક યુવાનની તો બે દિવસ પૂર્વે જ સગાઈ થઈ હોવાથી પરિવારજનોમાં માતમ છવાયો છે. બંને ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. અને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે. જો કે એક જ રાતમાં હત્યાના બે-બે બનાવોને લઈને પોલીસ પેટ્રોલીંગ સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

પ્રથમ બનાવમાં શહેરના ગોંડલ રોડ પર પરિન ફર્નિચર પાસે અંગત અદાવતમાં 28 વર્ષીય મહેસરઅલી પિંજારા નામના પરપ્રાંતીય યુવાનને છરીના 5 ઘા ઝીંકીને રહેંસી નાખવામાં આવ્યો હતો. મોડી  રાત્રે કેટલાક શખ્સોએ આડેધડ છરીના ઘા ઝીંકતા તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી હતી. જો કે આ મૃતક યુવાન ઝઘડાખોર સ્વભાવનો હોઈ કોઈએ પોતાની સાથે થયેલા ઝઘડાનો ખાર રાખીને યુવાનને પતાવી દીધો હોવાની શંકા પોલીસ દ્વારા સેવાઇ રહી છે. અને આ શંકાના આધારે આરોપીઓને ઝડપી લેવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય બનાવમાં લોધિકાના રાતૈયા ગામે રહેતા અને મેટોડામાં મંડપ સર્વિસ તથા લાઇટ ડેકોરેશનની દૂકાન ચલાવતા 24 વર્ષીય સંજય મનજીભાઈ વાગડીયા નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. દૂકાન વધાવીને ઘરે જતા આ યુવાનને કોઇએ સાથળ, થાપા, કમર, તેમજ પીઠમાં દસ જેટલા છરી જેવા તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી દીધા હતાં. અકસ્માત નડ્યો હોવાનું સમજીને તેના પરિવારજનોએ હોસ્પિટલે ખસેડ્યો હતો. પણ તબિબની તપાસમાં હથીયારના ઘા જોવા મળતા બનાવ હત્યાનો હોવાનું ખુલ્યું હતું. મૃતક યુવાનની બે દિવસ પૂર્વે જ સગાઈ થઇ હોવાનું અને તે ખૂબ જ સરળ સ્વભાવનો હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. ત્યારે આ બનાવનો ભેદ ઉકેલવા લોધીકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.