મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: શહેરમાં નકલી પીએસઆઇ અને કોન્સ્ટેબલ બની લોકોમાં રોફ જમાવતા બે શખ્સોને યુનિવર્સિટી પોલીસે આજે ઝડપી પાડ્યા છે. બંને શખ્સો પોલીસના નામે ઠગાઈનો કારસો ઘડતા હોવાની શંકાએ પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એક શખ્સ પાસેથી કચ્છ પીએસઆઇનું અને આરપીએફના કોન્સ્ટેબલનું તેમજ બીજા શખ્સ પાસેથી ગ્રામરક્ષક દળનું સહી વગરનું નકલી કાર્ડ મળી આવ્યું છે.

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતો 37 વર્ષીય જયેશ ઓમકારનાથ શ્રીવાસ્તવ અને 23 વર્ષીય સુનિલ સવસેટા નકલી પોલીસ બનીને લોકોમાં રોફ જમાવતા હોવાની ચોક્કસ બાતમીને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન સાધુ વાસવાણી રોડના ગોપાલ ચોક પાસે બાઈક નંબર જીજે-૩-જેએચ-૭૧૭૭ પર બે શખ્સો પસાર થતા હતા. જેમાં એક શખ્સે પીએસઆઇનો અને અન્ય શખ્સે સાદો ડ્રેસ પહેર્યો હતો.

પીએસઆઇ બનેલા શખ્સે તેનું નામ જયેશ ઓમકારનાથ શ્રીવાસ્તવ કહ્યું હતું. તેને પુછતાં પોતે ગુજરાત પોલીસમાં પીએસઆઇ હોવાનું અને હાલમાં કચ્છ જીલ્લામાં ફરજ બજાવતો હોવાનું કહ્યું હતું. પાછળ બેઠેલો શખ્સ સાદા કપડામાં હતો. અને તેણે પોતાનું નામ સુનિલ સવસેટા હોવાનું જણાવ્યું હતું. વિશેષ તપાસ થતાં આ શખ્સે એક આઇ કાર્ડ આપ્યું  હતું. આ કાર્ડ પણ બનાવટી હોવાનું સ્પષ્ટ થતા પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા.

પોલીસે બંને પાસેથી આરપીએફ, કચ્છ પીએસઆઇ અને ગ્રામરક્ષક દળના નકલી કાર્ડ કબ્જે કરી તેઓના ઘરની પણ તલાશી લીધી હતી. જેમાં જયેશના ઘરમાંથી વધુ એક પોલીસ ડ્રેસ પણ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ જયેશ શ્રીવાસ્તવ પ્રાઇવેટ નોકરી કરે છે. જ્યારે સુનિલ અગાઉ ટ્રાફિક વોર્ડન હતો. અને વાહનચોરી કરતાં ડિસમીસ કરવામાં આવ્યો હતો. હાલ બંનેની વિશેષ પુછતાછ કરવા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.