મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે અને પોલીસ દ્વારા કરવામાં આવતા પ્રયાસો નિષ્ફળ જતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ભાવનગર હાઇવે પરના ગોલીડા ગામે રહેતા વૃધ્ધાને મધરાત્રે ગળેટુંપો આપી હત્યા નિપજાવી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે પોલીસ કાફલો દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં એકલવાયું જીવન જીવતા વૃધ્ધાની જમીન પચાવી પાડવા મૃતકના સીધા વારસદાર તરીકે તેમના ભાણેજે આ હત્યા કરી હોવાની શંકા પોલીસ દ્વારા સેવાઇ રહી છે.

સરધાર નજીક આવેલ ગોલીડા ગામે રહેતા મણીમાં નાનબાપુ ખાચર નામના 85 વર્ષીય વૃદ્ધાની તેના જ ઘરમાં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ અંગે કંટ્રોલમાં જાણ કરાતા આજી ડેમ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જેમાં પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે, મણીમાને કોઈ સંતાન ન હતા પતિના મૃત્યુ પછી તેઓ એકલવાયું જીવન જીવી રહ્યા હતા. મણીમાને પોતાના હક હિસ્સાની 30 થી 35 વીઘા ખેતીની જમીન ગામમાં આવેલી છે. જમીનના સીધા વારસદાર તરીકે નાનબાપુના ભાઈની દીકરીનો દીકરો ભાણેજ થતો હોઈ તેણે જ આ જમીન પચાવી પાડવા ખૂની ખેલ ખેલ્યો હોવાની શંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગત રાત્રે નિંદ્રાધીન મણીમાને ભાણેજે ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધાની ગ્રામજનોમાં પણ ચર્ચા ચાલી રહી છે. છતાં મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા એફએસએલ અધિકારીઓની પણ મદદ લેવામાં આવી છે. મોડીરાત્રે બનેલા આ બનાવથી નાના એવા ગામમાં ભારે ચકચાર મચી છે. હાલ પોલીસે આ અંગે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ પણ પૈસાની લેતીદેતી મુદ્દે ભાણેજને મણીમાં સાથે માથાકૂટ થઇ હતી. જો કે ત્યારે મણિમાએ પૈસા આપી દેતા સમાધાન થઇ ગયું હતું.