મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ભીમ અગિયાસનું મુહૂર્ત સાચવ્યું હોય તેમ શહેરના કેટલાક વિસ્તારો સહિત જિલ્લાના જસદણ, વિછીયામાં બપોર બાદ વાતાવરણમાં પલટો જાવા મળ્યો હતો. અને વાદળછાયા માહોલ વચ્ચે મેઘ મહેર વરસી હતી. જેને લઈને ભીમ અગિયારસે વરસાદનું આગમન થવાની જુની પ્રણાલી મેઘરાજાએ જાળવી રાખી હોવાની ચર્ચા ચાલી હતી. જો કે જગતનો તાત વાવણી લાયક વરસાદ વરસવાની પ્રાર્થના કરી રહ્યો છે.

સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી બફારો અકળાવી રહ્યો છે. આજે બફારા બાદ જસદણ પંથકના ગામો સહિત રાજકોટ શહેરમાં વરસાદી ઝાપટાં પડતા લોકોમાં ખુશીનો માહોલ જોવાયો હતો. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે પણ સારા વરસાદ માટે સૌરાષ્ટ્રને જુલાઇ મહિનાની રાહ જોવાનું જણાવ્યું છે. ત્યારે આજે રાજકોટ શહેર અને જિલ્લામાં પડેલા ઝાપટાથી ખાસ રાહત થાય તેવું જણાતું નથી.