મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: છેલ્લા ઘણા સમયથી વિવિધ સંગઠનો તેમજ લોકો દ્વારા જુદા-જુદા મુદ્દાને લઈને સરકાર વિરૂધ્ધ આંદોલનો કરાઈ રહ્યા છે. ત્યારે હવે મધ્યાહન ભોજન યોજના સાથે જોડાયેલા કર્મચારીઓ દ્વારા પણ હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જે અંતર્ગત આવતીકાલથી પગાર વધારો, નાસ્તા માટે અલગ અનાજ ફાળવવા સહિતની માંગને લઈને રાજ્યમાં 1 લાખથી વધુ કર્મચારીઓ દ્વારા હડતાલ શરૂ કરવામાં આવનાર છે. 

અત્રે નોંધનીય છે કે, મધ્યાહન ભોજનના કર્મચારીઓએ એક મહિના પહેલા સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. જેમાં આપેલી મુદત પૂર્ણ થતાં આવતીકાલથી અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. જો કે આ હડતાલથી સરકારને ફરક પડે છે કે નહીં તે તો સમય જ બતાવશે. પરંતુ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ભોજન લેતા બાળકોની સ્થિતિ કફોડી બનશે તે હકીકત છે. ત્યારે સરકાર દ્વારા બાળકોના હિતને ધ્યાનમાં લઈને આ હડતાલ રોકવા કોઈ પગલાં લેવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું.