મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: શહેરની વોકહાર્ટ હોસ્પિટલમાં ત્રણ વર્ષ પહેલા એક મહિલા સામાન્ય બિમારી સબબ સારવાર લેવા ગયા હતા. દરમિયાન છાતીમાં નળી નાંખી સારવાર કરવામાં આવી હતી. જોકે મહિલાને કોઇપણ રીતે સારૂ ન થતા પરિવાર દ્વારા ફરી અન્ય ડોક્ટરનું માર્ગદર્શન લેવાયું હતું. જેમાં મહિલાના છાતીમાં મુકેલી નળી ઓગળી જવાને બદલે દોઢ ફૂટ જેવો લાંબો વાયર બની ગઈ હોવાનું એક્સરેમાં આવતા પરિવારજનો ચોકી ઉઠ્યા હતા. આ ઘટના અંગે કરણીસેના દ્વારા હોસ્પિટલનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. પરંતુ લાંબી સારવાર બાદ આ મહિલાનું ગઇકાલ બુધવારે મૃત્યુ નિપજતા કરણી સેના દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે અને આવતીકાલથી ઉપવાસ આંદોલન શરુ કરાશે તેમ જાણવા મળ્યું છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ, રેખાબેન પાટડિયા નામની મહિલા દર્દીએ ત્રણવર્ષ પૂર્વે સામાન્ય બિમારી માટે વોકહાર્ટમાં સારવાર લીધા બાદ સતત બિમાર જ હતા. અંતે તેમનું ગઇકાલે મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે તેમના જમાઇ યોગીભાઇએ જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ પહેલા ડાયાબિટીસ-બ્લડપ્રેશર જેવી નાની એવી બીમારીને લઇને વોકહાર્ટમાં ગયા હતા. ત્યારે આઇસીયુમાં ખસેડવામાં કહેવામાં આવ્યું હતું. જ્યાં 10-10 દિવસની સારવાર બાદ પણ સારૂ નહોતું થયું. 

આ દરમિયાન છાતીની અંદર નળી નાખી તેણે કંઇક ટ્રીટમેન્ટ કરી હતી અને તે નળી ઓગળી જાય તે માટે દવા પણ આપી હતી. ત્યારથી જ રેખાબેનને કંઇકને કંઇક બીમારી આવતી જ ગઇ અને તબીયત સારી થવાને બદલે વધુને વધુ બગડતી ગઇ. અંતે આ નળી ઓગળી નહીં અને વાયર જેવી બની ગઇ હતી. બાદમાં હોસ્પિટલ દ્વારા અમને આ માટે અન્ય સ્થળે સારવાર લેવાનું જણાવાયું હતું. થોડા દિવસો પહેલા જ આ અંગે કરણીસેના દ્વારા જુદી-જુદી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું. 

કરણીસેના દ્વારા વિરોધના વિવિધ કાર્યક્રમો બાદ દર્દીને લઈને વોકહાર્ટ હોસ્પિટલ બહાર ધારણા કરવાનું નક્કી કરાયું હતું. પરંતુ અચાનક રેખાબેનનું મોત નિપજતા કરણીસેના તેમજ પરિવારજનોમાં રોષની લાગણી જોવા મળી હતી. તેમજ ત્રણ વર્ષ પૂર્વેની ડોક્ટરની બેદરકારીને કારણે જ દર્દીએ જીવ ગુમાવવો પડ્યો હોવાનો આક્ષેપ કરી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.